Gujarat

ભેંસાણમાં પ્રિન્સિપાલ- ગૃહપતિએ ચાર બાળકોને અડપલાં કર્યા હોવાનો ઘટસ્ફોટ

By GS TEAM
9 Jul 20252 mins read
ભેંસાણમાં પ્રિન્સિપાલ- ગૃહપતિએ ચાર બાળકોને અડપલાં કર્યા હોવાનો ઘટસ્ફોટ

શૈક્ષણિક સંકૂલમાં બાળકો પર શારીરિક ચેનચાળાનો બનાવ

બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનાં કાઉન્સેલિંગ દરમ્યાન વિગતો ખૂલીઃ આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મગાશે

જૂનાગઢ: ભેસાણની શૈક્ષણિક સંકુલના બાળકો સાથે થયેલ શારીરિક ચેનચાળા મુદ્દે સંસ્થાના ટ્રસ્ટીની ફરિયાદ બાદ ભેસાણ પોલીસે પ્રિન્સિપાલ અને ગૃહપતિની ધરપકડ કરી છે. આવતીકાલે બંને શખ્સોને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. બાળ સુરક્ષા વિભાગ દ્વારા સંકુલમાં રહેતા બાળકોના કાઉન્સેલીંગ દરમ્યાન ચાર બાળકો સાથે અડપલા થયા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ અન્ય બાળકોનું કાઉન્સેલીંગ શરૂ રાખવામાં આવ્યું છે.

ભેસાણની માં અમર શૈક્ષણિક સંકુલના  પ્રિન્સિપાલ કેવલ લાખણોત્રા, ગૃહપતિ હિરેન જોશીએ બે બાળકો સાથે  શારીરિક ચેનચાળા કર્યા હતા. સમગ્ર મામલે મેનેજિંગ ટ્રસ્ટી લલીતભાઈ સાવલિયાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ અને પ્રિન્સિપાલ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. સમગ્ર બનાવથી શિક્ષણ હબ જૂનાગઢની ગરિમાને ઝાંખપ લાગી છે. ગુરૂપૂણમાના બે દિવસ પૂર્વે જ  બાળકો પર શારીરિક ચેનચાના ગંભીર બનાવથી  ગુરૂ-શિષ્યના સંબંધને  લાછન લાગ્યું છે. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. ભેસાણ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.પીઆઇ સુમરાના જણાવ્યા મુજબ શારીરિક ચેનચાળાની ફરિયાદ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન મેળવવાની કાર્યવાહી થઈ રહી છે. સંકુલમાં રહેલા અન્ય બાળકો સાથે આવું કૃત્ય થયું છે કે કેમ ? તે ઉપરાંત કેટલા બાળકો રહે છે અને  આરોપીઓ કેટલા સમયથી ફરજ બજાવે છે, અગાઉ ક્યાં ફરજ બજાવી હતી તે તમામ મુદ્દાઓ અંગે સંકુલના ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડાના જણાવ્યા મુજબ બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. સંકુલમાં ૧૨૦ બાળકો રહે છે. ગંભીર બનાવથી ભવિષ્યમાં બાળકોના સગપણની પણ મુશ્કેલી થતી હોય છે જેથી વાલીઓ ફરિયાદ કે વિગત આપવાનું ટાળે છે. સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા એકમ વાલીઓને વિવિધ કાયદા અંગે અવગત કરી વિગત મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કાઉન્સેલીંગ દરમ્યાન ચાર બાળકો પર ચેનચાળા થયા હોવાનું સામે આવ્યું છે. ટીમ દ્વારા હજુ પણ વધુ બાળકોની કાઉન્સેલિંગ દ્વારા વધુ પૂછપરછ થઈ રહી છે. ભેસાણ પોલીસ આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવા આવતીકાલે પ્રિન્સિપાલ કેવલ અને ગૃહપતિ હિરેનના પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે.