વડોદરામાં રોડ શૉ બાદ PM મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
PM Modi Road Show in Kutch : ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. 23,292 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી.
દાહોદમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી
વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ’2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે, કોઇ ખોટ રાખી નથી. તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું. દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.’
કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે
દાહોદમાં વિવિધ યોજનાઓની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. જેમાં સૌથી શાનદાર દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી છે. 3 વર્ષ પહેલાં હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો, કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે. તેઓ કહેતા હતા કે ચૂંટણી આવી તો મોદીજીએ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો, કંઈ બનવાનું નથી. તેઓ આવું કહેતા હતા, પરંતુ આજે ત્રણ વર્ષ પછી આપણે બધા જોઈ રહ્યા છીએ. આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે.
ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે
ઉત્પાદનની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે આપણે 140 કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જરૂરી છે તે ભારતમાં જ બનાવીએ. ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે સ્માર્ટ ફોનથી લઈને વાહનો, રમકડાં, લશ્કરી શસ્ત્રો અને દવાઓ જેવી વસ્તુઓ વિશ્વભરના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ. ભારતમાં આજે આધુનિક ગાડીઓ દોડી રહી છે. તેનું એક મોટું કારણ નવી ટેક્નોલોજી અને આપણા દેશની યુવા પેઢી છે.’
ઓપરેશન સિંદૂર વિશે પીએમ મોદીએ શું કહ્યું?
આ વિસ્તાર માં ભારતીની માનવતાની રક્ષા માટે આપણા તપ અને ત્યાગને દર્શાવે છે. વિચારો જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ જે કર્યું, શું ભારત ચૂપ બેસી શકે? શું મોદી ચૂપ બેસી શકે?
ઓપરેશન સિંદૂર કોઈ સૈન્ય કાર્યવાહી નથી. આ આપણા ભારતીયોના સંસ્કારો, આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદીનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે. બાળકોની સામે પિતાને ગોળી ધરબી દીધી. આજે પણ તે તસવીરો જોઈએ છીએ તો લોહી ઉકળી ઉઠે છે. આ 140 કરોડ ભારતીયોને પડકાર હતો, તેથી મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવકની જવાબદારી સોંપી.
મોદીજીએ પોતાની ત્રણેય સેનાઓને ખુલ્લી છૂટ આપી અને આપણી સેનાએ તે કરી બતાવ્યું જે દુનિયાએ છેલ્લા ઘણા દાયકાઓથી જોયું ન હતું. અમે સરહદ પાર ચાલી રહેલા આતંકના નવ સૌથી મોટા આતંકી ઠેકાણાં, તેમને શોધી કાઢ્યા. હિસાબ-કિતાબ પાક્કો કરી લીધો અને 22 તારીખે જે ખેલ ખેલાયો હતો, છ તારીખની રાત્રે 22 મિનિટમાં અમે તેમને માટીમાં મિલાવી દીધા. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ દુસ્સાહસ બતાવ્યું તો આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી.
ભાગલા વખતે અલગ થયેલા પાકિસ્તાનનું એકમાત્ર લક્સ્ય ભારત સાથે દુશ્મની અને નફરત છે પરંતુ ભારતનું લક્ષ્ય પોતાને વિકસિત બનાવવાનું, ગરીબી દૂર કરવાનું અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની છે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા
- દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બન્યું, એ જ નવતર લાગે.
- છેલ્લા 10-11 વર્ષોમાં ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું.
- મેટ્રોનું વિસ્તરણ થયું છે, જ્યારે સેમિ હાઇસ્પીડ રેલવે પણ વિકસી રહી છે.
- દેશમાં લગભગ 70 રૂટ પર વંદેભારત ટ્રેન ચાલી રહી છે.
- દાહોદ માટે મે જે સપનાં જોયા છે તે આજે સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
- ભારતમાં આદિવાસી જિલ્લો કેવી રીતે વિકાસ પામે તેનું મોડેલ જોવું હોય તો દાહોદ આવે.
દાહોદમાં 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું
દાહોદમાં વડાપ્રધાન મોદીએ 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું. આ ઉપરાંત આણંદ - ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂ. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કર્નલ સોફિયા કુરેશીના અને શહીદ થયેલા આઠ જવાનોના પરિવાર પણ યાત્રામાં જોડાયા
વડોદરામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત–સન્માન કરવા માટે યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો જોડાયા હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા.
શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નીરવ સોનીના પરિવાજનો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.23 હજાર કરોડથી વધુના મૂલ્યના વિકાસ યોજનાઓનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, ત્યારબાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરાયું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂ. 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પાણી યોજના થકી 193 ગામોને ફાયદો થશે
દાહોદમાં નરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ-સાપલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
અમદાવાદમાં સિવિલ પરિસરમાં આઈપીડીનું ખાતમુહૂર્ત
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 27મેના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાક એકમોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદમાં રૂ. 1000 કરોડના ખર્ચે નિર્માણ થનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઓપીડીસાથે 18000 બેડ ધરાવતા આઈપીડી જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઇ રહ્યું છે, જેનું પણ સિવિલ પરિસરમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે.
વંદેભારત સહિતની બે ટ્રેનોને પીએમ લીલી ઝંડી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે 26મીએ દાહોદથી વિવિધ રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે સાબરમતી-બોટાદ ટ્રેન અને અમદાવાદ (સાબરમતી) સોમનાથ (વેરાવળ) વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. જે સાથે આ નવી બંને ટ્રેનો ગુજરાતમાં શરૂ થશે. 8 કોચની વંદેભારત ટ્રેન 27મેથી શરૂ થશે.