નરેન્દ્ર મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ : 72 કલાકના અખંડ ઓમકાર જાપ : 3000 ડ્રોનથી શો યોજાયાઃ રાજકોટમાં રેસકોર્સનું બંધ એરપોર્ટ હેલીપેડ તરીકે ફરી શરૂ કરાયું
રાજકોટ, : હજારો વર્ષોથી લોકોની શિવભક્તિનું કેન્દ્ર રહેલું અને વિનાશક તાકતો સામે સર્જનની શક્તિના વિજયના પ્રતિક એવા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરમાં બરાબર 1000 વર્ષ પહેલા અને ત્યારબાદ 17 વાર થયેલા દરેક મંદિર ધ્વંશ બાદ બમણી ઉર્જાથી પુનઃ નિર્માણ પામ્યું છે. ઉપરાંત અંતિમવાર ઈ. 1951માં મંદિર નિર્માણને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જે બે પ્રસંગોને અનુલક્ષીને ઉજવાતા સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી પહોંચ્યા હતા અને સોમનાથમાં તેમની ઉપસ્થિતિમાં 3000 ડ્રોનથી અરબી સમુદ્રના આકાશમાં તાંડવ, ઓમકાર, ત્રિશૂલ, સહિતના બિંદુચિત્રો સર્જાયા હતા. 72 કલાકના ઓમકાર મંત્રજાપના કાર્યક્રમમાં સહભાગી થઈને તેમણે મહાદેવને શિશ ઝુકાવ્યું હતું.
સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને શણગાર કરાયો છે. આજે રાત્રે આવતીકાલ રવિવારે સવારે 108 અશ્વો સાથે નીકળનારી શૌર્ય યાત્રા નીકળશે જેના રૂટ પર આજે ૨૦ જેટલા સ્ટેજ ઉપર યક્ષ ગાન, કુચિપૂડી, ભરત નાટયમ સહિતના કાર્યક્રમો રજૂ કરાયા હતા. અને બાદ સદ્ભાવના ગ્રાઉન્ડમાં સભા થશે.ે. ત્યારબાદ બપોરે 1.20 વાગ્યે વડાપ્રધાન રાજકોટ હેલીપેડ ખાતે આવીને 1.35 વાગ્યે મોરબી રોડ પર ટ્રેડ શો અને 2 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે.
રાજકોટમાં આ સમિટમાં 5,000થી વધુ ઉદ્યોગપતિઓ, દેશ-વિદેશના વીવીઆઈપીઓ આવવાના હોવાથી બે વર્ષ પહેલા સંપૂર્ણ બંધ કરી દેવાયેલ રાજકોટ રેસકોર્સ ખાતેના જુના એરપોર્ટમાં તાકીદે ફેન્સીંગ સહિતના કામો કરીને ત્યાં વીઆઈપીઓના હેલીકોપ્ટર ઉતારવા હેલીપેડ ઉભા કરાયેલ છે. વહીવટીતંત્ર અનુસાર આ સ્થળ પાસે લક્ઝરીયસ કારો ડ્રાઈવરો સાથે તૈનાત કરાઈ છે જે સમિટના સ્થળે લઈજવાનું કામ કરશે. જ્યારે રાજકોટના સૌથી ધમધમતા માધાપર ચોકથી રીંગરોડ થઈને બેડી ચોકડીથી મોરબી રોડ પર કાર્યક્રમ સ્થળ સુધીના તમામ માર્ગો ભારે વાહન માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ જારી કરીને આજે તા. 11ની સવારે 8થી તા. 15ની રાત્રિના 11 સુધી પ્રતિબંધિત કર્યા છે. રાજકોટથી બપોરે 3-30 વાગ્યે વડાપપ્રધાન અમદાવાદ જવા રવાના થઈને સોમવારે સવારે ત્યાં સાબરમતી આશ્રમ, પતંગ મહોત્સવ હિત કાર્યક્રમમાં હાજરી આપશે.


