PM મોદીની માતા હીરાબાનું અવસાન
અમદાવાદ,તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું છે. વડાપ્રધાનએ ટ્વિટ સંદેશામાં જણાવ્યું છે કે, હિરાબા 100 વર્ષના હતા અને મુલ્યો માટે સમર્પિત તેમજ નિસ્વાર્થ કર્મયોગી હતા. પોતાની માતાના 100માં જન્મ દિવસની મુલાકાતને યાદ કરીને વડાપ્રધાનએ જણાવ્યું છે કે, તેઓ હંમેશા પવિત્રતા સાથે જીવન જીવવા અને પૂર્ણ બૌદ્ધિક ક્ષમતાથી કામ કરવા હંમેશા પ્રોત્સાહન આપતા હતા. હીરાબાનો જન્મ 18મી જૂન 1923માં થયો હતો.
ઉલ્લેખનિય છે કે, 29મી ડિસેમ્બરના રોજ PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ હોવાની અને હૃદયની બિમારી હોવાની પણ વાત સામે આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ દિલ્હીથી અમદાવાદ દોડી આવી માતા હીરાબાની તબિયતના ખબર અંતર પુછ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, 15મી જૂન-2022ના રોજ ગાંધીનગરમાં રાયસણ પેટ્રોલપંપથી ૮૦ મીટરના માર્ગને પૂજ્ય હીરાબા માર્ગ નામ આપવામાં આવ્યું હતું. આ વર્ષે જ 18મી જૂને તેમનો 100મો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. દરમિયાન હીરાબા ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં તેમના નાના પુત્ર પંકજ મોદીના નિવાસસ્થાને રહેતા હતા.
હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાયા હતા
આ વર્ષે દેશભરમાં 75મા સ્વતંત્રતા પર્વનું ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા પણ જોડાયા હતા. 100 વર્ષીય હિરાબાએ બાળકો સાથે ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા.
સાદગીથી સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તેનું ઉત્તમ ઉદાહરણ એટલે હીરાબાનું જીવન
હીરાબા તેમના ઘરમાં કોઈના પણ આધાર વગર ચાલતા હતા અને ઘરના તમામ કામ જાતે જ કરતા હતા. હીરાબાએ 100 વર્ષે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે જ રસી લઈને સમાજની સામે એક દાખલો બેસાડ્યો હતો.
હીરાબાને સાદું ભોજન અને લાપસી પસંદ હતું
હીરાબા ભોજનમાં મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન આરોગતા હતા. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરતા હતા. તેમને લાપસી ખૂબ ગમતી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવતા હતા. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરતા ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક આરોગતા હતા.
હીરાબાનું બાળપણ
હીરાબાના પિયરની વાત કરીએ તો હીરાબા મહેસાણાના વિસનગરમાં આવેલ દીપડા દરવાજા પાસે રહેતા હતા. મહત્વનું છે કે હીરાબાનો પરિવાર વર્ષો પહેલા મકાન વેચી અમદાવાદ સ્થાઈ થયો હતો.
શાળા જોઈ નથી છતાં હિરાબાએ બાળકોને ભણતરમાં આગળ વધાર્યા
હિરાબાના સંઘર્ષના દિવસોની વાત કરીએ તેમણે કપરી સ્થિતિમાં ઘર ચલાવી દુઃખ સહન કરી બાળકોને મોટા કર્યા હતા. હીરાબાએ જીવનમાં શાળા તો જોઈ ન હતી પણ બાળકોની ભણાવવાની જિજ્ઞાસાવૃત્તિ હીરાબામાં હતી.