Gujarat

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન

By GS TEAM
10 May 20262 mins read
સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન

'પશ્ચિમ બંગાળના વિજયથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ' : એક સમયે મીઠુ પકવતું ગુજરાત આજે સેમી કન્ડક્ટર અને વિમાનના પાર્ટસ બનાવી વૈશ્વિક સ્તરે અલગ ઓળખ ઊભી કરી છે : PM મોદી 

જામનગર  : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર પહોંચ્યા હતા, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે તેમના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

જામનગરમાં આયોજિત અભિવાદન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જનતાને સંબોધતા સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં મળેલી જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મળેલી જીતનો આનંદ માત્ર ત્યાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો હરખ ગુજરાતીઓએ પણ અનુભવ્યો છે. સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને બંગાળની પ્રજાએ કમાલ કરી દીધી છે.

વડાપ્રધાને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કરતાં હળવી ટિપ્પણી સાથે પૂછયું હતું કે, ચૂંટણીનો થાક તો લાગ્યો નથી ને?ત્યારબાદ તેમણે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ગુજરાતીઓએ ફરી એક વખત લોકશાહીમાં પોતાનો વિશ્વાસ મજબૂત રીતે વ્યક્ત કર્યો છે.

સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગુજરાત માત્ર મીઠું પકાવતું રાજ્ય કહેવાતું હતું, પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, વિમાનના પાર્ટ્સ અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહ્યું છે.તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને યુવાનોની ક્ષમતાને દેશ માટે ગૌરવની બાબત ગણાવી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની ઐતિહાસિક વાતને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પંચોત્તર વર્ષ પહેલાં સોમનાથ મંદિરના પુનનર્માણનું કાર્ય શરૂ કરાવ્યું હતું અને હવે આ ઐતિહાસિક પ્રસંગને પંચોત્તર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસરે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ ભારે ઉત્સાહ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું અને સમગ્ર વાતાવરણ દેશભક્તિ તથા ઉત્સવના રંગોથી છલકાઈ ઊઠયું હતું.