Gujarat

કોલસો, ચૂલા, પ્રાયમસ, બ્લોઅર સહિતના ભાવ બેથી ત્રણ ગણા

By GS TEAM
1 Apr 20262 mins read
કોલસો, ચૂલા, પ્રાયમસ, બ્લોઅર સહિતના ભાવ બેથી ત્રણ ગણા

ટેક્ષની જેમ મોંઘવારીથી બચવાના માર્ગો બંધ થાય છે  : રૂ।. 2200નો ચૂલાના રૂ।. 6000, 700માં મળતા પ્રાયમસના 2000 : 1 મણ કોલસાના 400 નીચે હતા તે 800ને પાર

રાજકોટ, : મોંઘા સિંગતેલથી થતી ઉંચી પડતરને નીચી લાવવા પહેલા વેપારીઓ કપાસિયા તેલ અને કેટલાક પામતેલ વાપરતા અને તે પણ હવે મોંઘુ થયું તો કોમર્શીયલ ગેસના બાટલા મોંઘા થવા સાથે શોર્ટ સપ્લાયના પગલે કોલસો,ચૂલા,તેમાં હવા ફેંકવા માટે બ્લોઅર, પ્રાયમસ,  લાકડા વગેરે પરંપરાગત ઈંધણ તરફ વળતા તેના ભાવમાં 100થી 200 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયાનું જાણવા મળ્યું છે.

વેપારી સૂત્રો અનુસાર કોલસાના ભાવ મહિના પહેલા પ્રતિ 20 કિલોના રૂ।. 400 કે તેનાથી પણ નીચે હતા. પરંતુ, હવે તે રૂ।. 800થી વધારે થઈ ગયા છે. ચૂલો રૂ।. 2200ની આસપાસ મળતો હતો તેના ભાવ રૂ।. 6000થી પણ વધી ગયા છે.આ ચૂલામાં હવા ફૂંકવા માટે આવતું બ્લોઅર રૂ।. 1500થી 2000માં અગાઉ મળતું, હવે રૂ।. 6થી 7,000ના ભાવ મંગાય છે અને કેટલાક વેપારીઓ નાછૂટકે બ્લોઅરને બદલે પંખાથી કામ ચલાવે છે. છૂટક પ્રાયમસ પણ રૂ।. 700ને બદલે હવે રૂ।. 2000ને પાર થઈ ગયા છે તો ધંધાર્થીઓ ચૂલો પેટાવવા ઈલેક્ટ્રીસિટી તરફ વળે તો ઈલે.ચૂલો રૂ।. 25-30,000નો મળતો તે પણ રૂ।. 50,000એ પહોંચી ગયો છે. આ જ રીતે જલાઉ લાકડા પણ મોંઘા થયા છે અને ગૌમાતાની સંખ્યા ઘટતા છાણા પણ જોઈએ એટલા મળતા નથી. 

કેરોસીન પેટ્રોલપંપથી વેચવાની જાહેરાત કરાઈ છે પરંતુ, તે વર્ષો અગાઉની જેમ રૂ।. 20-25ના લિટર લેખે નહીં મળે. પણ ડીઝલ જેટલા ભાવથી મળવાની શક્યતા છે. એકંદરે મોંઘવારીથી બચવાના માર્ગો પણ બંધ થઈ રહ્યા છે.