Gujarat

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો

By GS TEAM
1 Apr 20262 mins read
જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો

25 કરોડના ખર્ચે રેસ્ટોરેશનમાં પુરાતત્વના નિયમોનો ભંગ પ્રાચીન શિલ્પોની અવદશા : દુર્લભ પથ્થરો પર 'નકલી બ્રિક પેટર્ન'નું આવરણ : ઐતિહાસિક સ્મારકને 'થીમ પાર્ક' બનાવી દેવાયો

જામનગર, : જામનગરની શાન અને 400 વર્ષ જૂના ઇતિહાસના સાક્ષી એવા 'ભુજીયા કોઠા'ને લાંબા સમયના ઇન્તજાર બાદ લોકો માટે ખુલ્લો તો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રેસ્ટોરેશન પ્રોજેક્ટ હવે વિવાદોના વમળમાં ફસાયો છે. 25 કરોડ રૂપિયાના માતબર ખર્ચે અને 4 વર્ષની જહેમત બાદ તૈયાર થયેલા આ રક્ષિત સ્મારકમાં પુરાતત્વ વિભાગના પાયાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વિગતો બહાર આવતા હેરીટેજ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા સ્થિત પ્રખ્યાત શિલ્પકાર હિમાંશુ જોશીએ પુરાતત્વ વિભાગને કરેલી રજૂઆતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભુજીયા કોઠાની વર્તુળાકાર ગેલેરીમાં આવેલા પ્રાચીન શિલ્પોને વૈજ્ઞાાનિક પદ્ધતિથી સંરક્ષિત કરવાના બદલે તેને જર્જરિત હાલતમાં જ છોડી દેવાયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, કેટલાક અમૂલ્ય શિલ્પોને તો આંશિક રીતે નવી દિવાલોમાં ચણી લેવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતો મુજબ, કોઈપણ રક્ષિત સ્મારકના મૂળ શિલ્પોને આ રીતે ઢાંકી દેવા કે ચણી દેવા એ ગુનાહિત બેદરકારી સમાન છે.

વધુમાં ભુજીયો કોઠો તેની વિશિષ્ટ પથ્થરની બનાવટ અને ખરબચડા ટેક્સચર માટે જાણીતો હતો. જોકે, રેસ્ટોરેશનના નામે આ અસલી સ્થાપત્યને છુપાવી તેના પર આધુનિક 'બ્રિક સ્ટાઇલ પેટર્ન' (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ ફેરફાર સ્મારકની ઐતિહાસિક ઓળખ ભૂંસી નાખે છે અને તેને પુરાતત્વીય ઇમારત મટાડીને એક આધુનિક 'થીમ પાર્ક' જેવો દેખાવ આપે છે. કાયદાકીય રીતે કોઈપણ સંરક્ષિત સ્મારકના મૂળ બાહ્ય દેખાવમાં ફેરફાર કરવો એ ગેરકાયદે છે.

પુરાતત્વીય નિયમો કહે છે કે રેસ્ટોરેશન એટલે 'જેવું હતું તેવું જાળવવું', પરંતુ જામનગરમાં તેને 'નવું બનાવવાની' લ્હાયમાં મૂળ ઇતિહાસ જ દફનાવી દેવામાં આવ્યો હોય તેમ લાગે છે. જામનગરના પ્રબુદ્ધ નાગરિકો અને ઇતિહાસકારોની માંગ છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ નિમવામાં આવે અને કલા ઇતિહાસકારોની સલાહ લઈ થયેલી ભૂલો સુધારવામાં આવે, તો જ આવનારી પેઢીને સાચો વારસો જોવા મળશે.