Get The App

નડિયાદમાં પટેલ બેકરી અને ભાગ્યોદસ કેટરર્સ પાસે સોસાયટીમાં દબાણો હટાવાયા

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં પટેલ બેકરી અને ભાગ્યોદસ કેટરર્સ પાસે સોસાયટીમાં દબાણો હટાવાયા 1 - image

- સ્થાનિક લોકોની રજૂઆત બાદ કાર્યવાહી 

- માર્ગ પર અવરોધરૂપ બનેલા 7 મકાનનો ગેરકાયદે ઓટલા અને રેમ્પ જેસીબીની મદદથી તોડી પડાયા  

નડિયાદ : નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરને દબાણમુક્ત કરવાના હેતુથી પટેલ બેકરી અને ભાગ્યોદય કેટરર્સ પાસેના સોસાયટી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સ્થાનિક રહીશોની લેખિત રજૂઆતોના આધારે તંત્ર દ્વારા જાહેર માર્ગ પર અવરોધરૂપ બનેલા ૭ મકાનોના ગેરકાયદે ઓટલા અને રેમ્પ તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

નડિયાદ શહેરમાં જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોને દબાણમુક્ત કરવાના અભિયાન હેઠળ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આજે પટેલ બેકરી અને ભાગ્યોદય કેટરર્સ નજીક આવેલી સોસાયટીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કેટલાક મકાન માલિકોએ સરકારી જમીન અને જાહેર માર્ગ પર અનધિકૃત રીતે ઓટલા તેમજ રેમ્પ બનાવી દીધા હતા. જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. આ મામલે સ્થાનિક રહેવાસીઓએ કરેલી લેખિત રજૂઆતોને પગલે મનપાની દબાણ હટાવ શાખાએ સ્થળ પર પહોંચી ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સોસાયટીના માર્ગ પર નડતરરૂપ એવા ૭ મકાનોના ઓટલા, રેમ્પ અને ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા હતા.

 મનપાના જણાવ્યા અનુસાર આ મકાન માલિકોએ મંજૂરી વિના જાહેર માર્ગની જગ્યા રોકી લીધી હતી જે મુસાફરી કરતા લોકો માટે અડચણરૂપ સાબિત થતી હતી. વારંવારની ફરિયાદો બાદ તંત્રએ જેસીબી મશીન અને મજૂરોની મદદથી આ તમામ દબાણો દૂર કરી રસ્તો પહેલા જેવો ખુલ્લો કરી દીધો હતો.