નડિયાદના પારસ સર્કલ અને સબજેલ પાસેથી દબાણો હટાવાયા
- કમિશનરની સૂચના બાદ ટીમની કાર્યવાહી
- રોડની સાઈડમાં ઉભા રહેતા લારીઓવાળાને બોલાવી જાતે દબાણો હટાવી લેવા સૂચના અપાઈ
નડિયાદમાં મનપા બન્યા બાદ સૌથી પહેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે અગાઉ દાંડી માર્ગ પરના તમામે તમામ લારી, ગલ્લા અને પાથરણાંવાળા દબાણો દૂર કરાયા હતા.
હવે કમિશ્નરની સૂચના બાદ આજે દબાણ વિભાગ દ્વારા રેલવે સ્ટેશન પાસેના સબજેલના જગ્યાએ સાંજના સમયે ફૂડ સ્ટોલ ખોલી ઉભા રહેતા તમામ લારી અને ગલ્લાના દબાણ હટાવી દીધા છે. સબ જેલ અને વન-વે રોડની સાઈડોમાં ઉભી રહેતી તમામ ખાણી-પીણીની લારીઓના સંચાલકોને બોલાવી અને લારીઓ દૂર કરાવી હતી, જે સંચાલકો આવ્યા ન હતા, તેમની લારીઓ ટ્રેક્ટરમાં ભરી ખસેડી દેવાઈ હતી.
દબાણ વિભાગ દ્વારા પારસ સર્કલની આસપાસમાં ઉભી રહેતી તમામ લારીઓ પણ દૂર કરાવાઈ હતી. મોટાભાગની લારીઓ સાંજના સમયે પારસ સર્કલની આસપાસ તમામ સ્થાને દબાણ કરી ઉભી કરી દેવાય છે.
પારસ સર્કલની નજીકના એક કોમ્પલેક્ષની નીચે ઈંડાની લારીઓના સંચાલકો પણ લાંબા સમયથી દબાણ કરી ઉભા રહેતા હતા અને સાંજથી રાત્રિના સમયે મોટા પાયે અત્રે ટ્રાફિક અને અસામાજીક તત્વોની સમસ્યા ઉભી થતી હતી. જેના ઉકેલ લાવવા નડિયાદ મનપાની ટીમ દ્વારા આ લારીઓના દબાણો દૂર કરાયા છે.