અગાઉ કોર્પોરેશન દ્વારા સંબંધિત દુકાનદારો અને મિલકત ધારકોને નોટિસ અપાઇ હતી
મેગા ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોની બહાર કાઢવામાં આવેલા લોખંડના શેડ, ઓટલા, સાઈન બોર્ડ, હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવ્યા
નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આઈકોનિક રોડ બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રસ્તાની પહોળાઈ અને ક્લિયરન્સ મેળવવું અનિવાર્ય હોવાથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા તારીખ ૨૯ના રોજ વહેલી સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સેલ્સ ઇન્ડિયા શોરૂમથી લઈને ડી-માર્ટ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ વર્ષોથી ખડકાયેલા દબાણો દૂર કરવા માટે તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદ લીધી હતી. આ કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને રોડ પરના દ્રશ્યોે બદલાઈ ગયા હતા. આઈકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાને પહોળો અને સુવ્યવસ્થિત કરવાના હેતુથી અગાઉ કોર્પોેરેશન દ્વારા સંબંધિત દુકાનદારો અને મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં જે આસામીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કર્યા ન હતા, તેમની સામે તંત્રએ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને આઈકોનિક રોડની ડિઝાઈન મુજબ રસ્તો ખુલ્લો હોવો જરૂરી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.
મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન દુકાનોની બહાર કાઢવામાં આવેલા લોખંડના શેડ, ઓટલા, સાઈન બોર્ડ અને હોડગ્સ તોડી પાડવામાં આવ્યા હતા. રસ્તાની હદમાં આવતા પાકા બાંધકામોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ રસ્તો પહોળો થયો છે અને આઈકોનિક રોડના નિર્માણ માટેનો માર્ગ મોકળો થયો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક અડચણરૂપ દબાણો સામે ઝુંબેશ ચાલુ રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે.


