- પાલિકા, એસટી અને પોલીસને રજૂઆત
- વિદ્યાર્થીઓને લઇ એસટી બસો રાજપૂરી, તળાવ દરવાજા, એસીસી ક્વોરી રૂટ પર ચલવવા માગણી
બાલાસિનોર : બાલાસિનોરમાં તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રોડ પર દબાણોનો રાફડો ફાટયો છે અને વિદ્યાર્થીઓને લઇને એસટો બસો રાજપુરી, તળાવ દરવાજા, એસીસી ક્વોરી રૂટ પર ચલાવવા માગણી કરવામાં આવી છે.
બાલાસિનોરની સર્વ સમાજ સેના અને યુવા ક્ષત્રિય સેના મહિસાગર જિલ્લા પ્રમુખે પોલીસ, પાલિકા તથા એસટી તંત્ર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે, તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રસ્તા પર આડેધડ નાના-મોટા વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક થાય છે. જેના કારણે એસટીની બસ પસાર થઇ શકતી નથી. લોકો અને વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થાય છે. બીજી તરફ બાલાસિનોરથી ઓથવાડ, કપડવંજ, ભૂતિયા, દનાદરા સહિતના સ્થળોએ જતી તમામ એસટી બસ બસસ્ટેન્ડથી રાજપૂરી દરવાજા, સલિયાવડી દરવાજા, તળાવ દરવાજા, બિલના મુવાડા, એસીસી ક્વોરીના રૂટ પર ચલાવવાની માંગ કરાઇ છે. આ રોડ પર શાળા-કોલેજો આ રસ્તા પર છે. જ્યાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. અપડાઉન કરતા છાત્રોને હાલમાં બસસ્ટેન્ડથી શાળા-કોલેજ સુધીના ધક્કા ખાવા પડે છે. તેના બદલે આ રૂટ ઉ૫રથી એસટી બસ ચલાવવામાં આવે તો વિદ્યાર્થીઓને સરળતા રહેશે.


