ચૂંટણી પંચે એક અઠવાડિયાની મુદત વધારી તો'ય મુદત પહેલા લક્ષ્યાંક પૂરો કરવા અવાસ્તવિક અપડેટ કરવાની ફરજ પાડવામાં આવતા કર્મચારીઓ મુંઝાયા
ભુજ, : સમગ્ર રાજ્યમાં એસઆઈઆર કામગીરી માટે 11 ડિસેમ્બર સુધી મુદત છતાં કચ્છ જિલ્લામાં અમુક જગ્યાએ બીએલઓ કર્મચારીઓ પર માનસિક દબાણ, મુદત પહેલા, લક્ષ્યાંક પૂરો કરવા અવાસ્તવિક અપડેટ કરવાની ફરજ પાડવામાં આવતા કર્મચારીઓ મુંઝાયા છે.
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા સહિતની વિવિધ કામગીરી માટે મુદત વધારીને 11 ડિસમ્બર સુધી જાહેર કરવામાં આવી હોવા છતાં, ફિલ્ડ લેવલ પર કામ કરતા બૂથ લેવલ ઓફિસરો પર 100 ટકા લક્ષ્યાંક તાત્કાલિક પૂર્ણ કરી બતાવવા માટે ભારે માનસિક દબાણ આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અનેક કર્મચારીઓને વાસ્તવિકતાથી વિપરીત, ફક્ત લક્ષ્યાંક પૂરો થયો છે તે દર્શાવવા માટે પ્રેકટિકલ બનીને, ડેટા અપડેટ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
એસઆઈઆર કામગીરી પૂર્ણ કરવા માટે નિયત સમય મર્યાદા હવે 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.તેમ છતાં, અધિકારીઓ દ્વારા 'ઝીરો પેન્ડન્સી ' અને '100 ટકા કામગીરી' દર્શાવવા માટે માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે. જમીની હકીકત એ છે કે, 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી તમામ એન્ટ્રીઓ પરિસ્થિતિમાં શક્ય નથી. આ સંજોગોમાં પ્રેક્ટિકલ બનીને એન્ટ્રીઓ કરવા અથવા કામગીરી પૂર્ણ થયાનું અપડેટ કરવા માટે આદેશો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે.
આ દબાણ હેઠળ પ્રેક્ટિકલ બનીને એન્ટ્રીઓ કરનારા કર્મચારીઓ ગંભીર પરિિસ્થિતિમાં મુકાઈ જવાની સંભાવના છે. જો ભવિષ્યમાં આ ડેટાની ગહન તપાસ કરવામાં આવશે, તો તંત્રની પોલ પાધરી પડી જાય તેમજ પારદર્શિતા જાળવવા માટે નિયત મુદત સુધી વાસ્તવિક કામગીરી જ અપડેટ કરવી જોઈએ. પ્રેક્ટિકલ એન્ટ્રીઓ કરવાથી માત્ર કામગીરીના આંકડા સુધરશે, પણ ડેટા ની ગુણવત્તા અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જોખમાશે.


