સુરત શહેરના અનેક વિસ્તારમાં દબાણ ની સમસ્યા માઝા મુકી રહી છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનના ચૌટા બજાર અને વરાછા બરોડા પ્રિસ્ટેજના દબાણ આંશિક રીતે દુર કરી રહી છે પરંતુ દબાણ મુદ્દે પાલિકા માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી હાલત થઈ રહી છે. પાલિકાના રાંદેર ઝોનના અડાજણ પાટિયા- પાલનપોર શાક માર્કેટ અને કતારગામના આશ્રમ રોડ પરના માથાભારે દબાણ કરનારાઓ પાલિકાને પડકાર આપતા હોય તેમ દબાણ વધારી રહ્યા છે. અડાજણ પાટીયા પાસે માથાભારે લારીવાળાઓ જાહેર રોડ પર જ લારીઓ ઉભી કરી દબાણ કરે છે તો પાલનપોર શાકમાર્કેટ નો એક તરફનો રોડ દબાણના કારણે બંધ થઈ જાય છે. આવા આ દબાણને કારણે ટ્રાફિક સમસ્યા થતી હોવા છતાં પાલિકા- પોલીસ કાયમી ધોરણે દુર કરે તેવી માંગણી થઈ રહી છે.
સુરત પાલિકાના તમામ ઝોન દ્વારા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ દબાણ હટાવવાની કામગીરી જ્યાં વિરોધ થાય કે પ્રતિકાર થાય છે ત્યાં કરવામા આવતી નથી પરંતુ જે વિસ્તારમાં લોકો પ્રતિકાર નથી કરતા તે વિસ્તારમાં દબાણ દુર કરવાની કામગીરી આક્રમક રીતે કરવામા આવી રહી છે. સુરતના ચૌટા બજાર અને બરોડા પ્રિસ્ટેજ માં માંડ દબાણ દુર થયા છે ત્યારે હવે રાંદેર અને કતારગામ ઝોનના કેટલાક દબાણ પાલિકા માટે પડકાર બની રહ્યાં છે.
પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ પાટિયાથી ઋષભ સર્કલ વિસ્તારમાં કાયમી ધોરણે ફ્રુટની લારી વાળા નો કબજો છે. મુખ્ય રોડ પર લારી વાળાઓ ઉભા રહે છે અને ખરીદી કરનારાઓ પણ રસ્તા પર ગાડી રોકી લોકો કેરી ખરીદી રહ્યા હોય, ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે આ અંગે લાંબા સમયથી ફરિયાદ છે પરંતુ દબાણ કરનાર માથાભારે હોવાથી પાલિકા તંત્ર આ દબાણ ની સમસ્યા કાયમી ધોરણે દુર કરી શકતા નથી. આ ઉપરાંત રામશા ટાવરથી ઋષભ સર્કલ તરફ જતા વળાંક પર પણ લારીવાળાઓનો જમેલો રહે છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અડાજણ પાટીયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે મુખ્ય રોડ પર લારી વાળા ની દાદાગીરી વાહન ચાલકોને મુશ્કેલી માં મુકી રહ્યાં છે. જોકે આ જાહેર રોડ પર દબાણ છે પાલિકા અને પોલીસના અધિકારીઓ અહીથી રોજ પસાર થાય છે તેમ છતાં આ માથાભારે દબાણ કરનારાઓના દબાણ હટાવી શકતા નથી. આવી જ રીતે પાલનપોર પાટીયા શાક માર્કેટના માથાભારે દબાણ કરનારાઓ તો એક આખો રોડ બ્લોક કરી દે છે તેથી વાહન ચાલકોએ રોંગ સાઈડ વાહન દોડાવવા પડી રહ્યાં છે.
આવી જ હાલત કતારગામ ઝોનમાં અનાથ આશ્રમ થી આરોગ્ય કેન્દ્ર તરફ જતા રસ્તા પરના દબાણની છે. સ્થાનિકોના ભારે વિરોધ ના કારણે પાલિકાએ આંતરિક રોડ પરના દબાણ હટાવી દીધા હતા. તો આ માથાભારે દબાણ કરનારાઓએ પારસ ચોકી થી કતારગામ તરફ જતા મુખ્ય રોડ પર બ્રિજ નીચે જ દબાણ કરી દીધા છે. આ રોડ સાંકડો છે અને તેના પર માથાભારે દબાણ કરનારાઓને દબાણ કરી દીધા છે તેથી ટ્રાફિક સમસ્યા થઈ રહી છે આ રોડ પરથી સુરતના પાલિકાના અધિકારીઓ અને મેયર રોજ પસાર થાય છે તેમ છતાં આ જાહેર રોડ પરના દબાણ દુર થઈ શકતા ન હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. આ રોડ ઉપરાંત અનેક જાહેર રોડ પરના દબાણ કાયમી ધોરણે હટાવવાની માગણી કરી રહ્યા છે પરંતુ પાલિકા અને પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.


