Gujarat

રાષ્ટ્રપતિ સાસણ, સોમનાથ, દ્વારકા બાદ અમદાવાદના સમારોહમાં હાજરી આપશે

By GS TEAM
7 Oct 20252 mins read
રાષ્ટ્રપતિ સાસણ, સોમનાથ, દ્વારકા બાદ અમદાવાદના સમારોહમાં હાજરી આપશે

આવતીકાલથી રાષ્ટ્રપતિ ત્રણ દિવસ ગુજરાતના મહેમાન

ગીર જંગલમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ તથા કુદરતી સૌંદર્ય નિહાળી આદિવાસી પરિવારો સાથે મુલાકાત કરશે 

જૂનાગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન તેઓ રાજકોટ, સોમનાથ, સાસણ, દ્વારકા અને અમદાવાદની મુલાકાત લેવાના છે. રાજકોટ અને સાસણ ખાતે રાત્રિ રોકાણ કરશે. ગીર જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓને નિહાળી આદિવાસી પરિવારો સાથે મુલાકાત કરશે. સોમનાથ અને દ્વારકામાં આરતી, પૂજન કરશે ત્યારબાદ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી પરત દિલ્હી જવા રવાના થશે.

રાષ્ટ્રપતિના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તા.૯ના બપોરે ૩ કલાકે દિલ્હીથી નીકળી પ વાગ્યા આસપાસ રાજકોટ ખાતે પહોંચશે. ત્યાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. તા.૧૦ના સવારે ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ રાજકોટથી હેલીકોપ્ટર મારફત સોમનાથ પહોંચી બપોરની ૧ર વાગ્યાની આરતીમાં જોડાઈ પૂજા-અર્ચન કરશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી ૩ વાગ્યા આસપાસ હેલીકોપ્ટર મારફતે  સાસણ ગીર ખાતે પહોંચશે. સાસણ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ બપોરની જંગલ સફારી કરવા માટે રવાના થશે. બે કલાકની સફારી પૂર્ણ કર્યા બાદ અડધો કલાક ગીરના આદિવાસીઓ સાથે મુલાકાત કરી ગીરની પરંપરાઓ વિશે માહિતી મેળવશે. સાસણ ખાતે રાત્રિ રોકાણ કરી તા.૧૧ના દ્વારકા જવા રવાના થશે. દ્વારકા ખાતે બપોરની આરતી અને દર્શનનો લ્હાવો લેશે. દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરી હેલીકોપ્ટર મારફત જામનગર અને ત્યાંથી પ્લેનમાં અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદ ખાતે પ વાગ્યે ગુજરાત વિદ્યાપીઠના ૭૧મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે હાજરી આપી ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ સાસણ જંગલ સફારી બે દિવસ બંધ રહેશે જ્યારે સોમનાથ અને દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન સમયે સુરક્ષાને ધ્યાને લઈ યાત્રિકો માટે થોડીવાર દર્શન બંધ રહે તેવી શક્યતાઓ છે.