દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રના પ્રવાસે : આજે રાજકોટમાં રાત્રિ રોકાણ

કાલે રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચી દેવાધિદેવના દર્શન-પુજન બાદ રાષ્ટ્રપતિનું સાસણમાં રોકાણ : શનિવારે દ્વારકા દર્શન કરી અમદાવાદ જવા રવાના
રાજકોટ, : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલ તા. 9થી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલ તા. 9ના સાંજે 7 વાગ્યે ભારતીય વાયુ સેનાના વિમાન મારફતે તેઓ રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ ઉપર આવી પહોંચશે. હીરાસર એરપોર્ટ ઉપર ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગતવિધિ બાદ રાષ્ટ્રપતિ સહિત સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો કાફલો મોટર માર્ગે સર્કિટ હાઉસ આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાત્રિ રોકાણ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યું છે. અહીંથી તા. 10ના સવારે મહામહિમ રાષ્ટ્રપતિ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ જવા રવાના થશે.
રાજકોટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરના તમામ વિસ્તારોને નો-ડ્રોન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાની સાથે સંબંધિત વિસ્તારોમાં સધન ચેકિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિનાં રાત્રિ રોકાણને ધ્યાને લઈ કલેક્ટર તંત્ર દ્વારા સુરક્ષા સબંધિત જવાબદારી 50 અધિકારીઓને સોંપવામાં આવી છે.
દેશના રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટથી તા. 10ના સવારે હેલિકોપ્ટર મારફતે રાષ્ટ્રપતિ સોમનાથ પહોંચશે. અહી બપોરના 12 વાગ્યાની આરતી અને પુજનવિધિ-દર્શન કર્યા બાદ તેઓ 3 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા સાસણ જવા રવાના થશે. બે કલાક સુધી જંગલમાં સિંહ દર્શન કર્યા બાદ અડધો કલાક ગીરના આદિવાસીઓ સાથે મુલાકાત કરી ગીરની પરંપરા વિશે જાણકારી મેળવશે. સાસણ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ તા.૧૧ના શનિવારે દ્વારકા જવા રવાના થશે. હેલિકોપ્ટર મારફતે દ્વારકા પહોંચ્યા બાદ બપોરના આરતી પુજન અને દર્શનવિધિ બાદ તેઓ જામનગર આવશે. અહીંથી ખાસ વિમાનમાં સાંજે પ કલાકે અમદાવાદ પહોંચી ગુજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત ૭૧માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી પરત દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિના સોરઠ પ્રવાસને ધ્યાને લઈ એસઆરપીની બે ટીમ, 5 એસ.પી. 32 પીઆઈ 90 પીએસઆઈ 650 પોલીસ કર્મીઓ સહિત 1200થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમનાથમાં પણ રાષ્ટ્રપતિના આગમન પૂર્વે હેલીપેડથી મંદિર-વિશ્રામ સ્થળ સુરી રીહર્સલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.








