જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત
અવારનવાર ડ્રેનેજ ચોકઅપ અને નિયમિત કચરાનું કલેક્શન ન થતું હોવાની ફરિયાદ
જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે સ્થાનિક આગેવાને મ્યુ.કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.
ચાર દરવાજા વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઈનોના કારણે અવારનવાર ભંગાણ સર્જાઇ રહ્યા છે. જેના કારણે પીવાનું પાણી દૂષિત વિતરણ થવાની તથા ડ્રેનેજ ઉભરાવવાની અનેક ફરિયાદો છે. ત્યારે વોર્ડ નં.14ના રહીશો વતી સ્થાનિક આગેવાને વિસ્તારમાં સ્વચ્છતા અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે મ્યુ. કમિશનરને ફરી એક વખત રજૂઆત કરી જણાવ્યું છે કે, જમનાભાઈ હોસ્પિટલ પાસે બે થી ત્રણ સ્થળે અવારનવાર ડ્રેનેજ ચોકઅપ થાય છે અને દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે, વિસ્તારમાં કચરા કલેક્શન માટેની સુવિધા પણ નિયમિત નથી, જેથી ઘણી વખત આખો દિવસ કચરો પડી રહે છે, આ પરિસ્થિતિ લોકોના સ્વાસ્થ્ય ઉપરાંત વિસ્તારની ગરિમાને પણ અસર કરે છે, જેથી નિયમિત ધોરણે માર્ગની સફાઈ અને કચરાનો નિકાલ કરવા ઉપરાંત ડ્રેનેજ લાઈનનું સમારકામ કરી વારંવાર ઉભરાતી ડ્રેનેજની સમસ્યા દૂર કરવી જોઈએ.