Get The App

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત 1 - image

- ભૂતકાળમાં પણ વિવાદોમાં રહેલા આચાર્ય સામે રોષ

- નરેન્દ્ર ઓન ફાયર' કહી આચાર્યએ રોફ જમાવ્યો : વિદ્યાર્થીઓને બીભત્સ પ્રશ્નો પૂછયા હોવાનો આક્ષેપ

નડિયાદ : ખેડા જિલ્લાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને મહિલા કર્મચારીઓ સાથેના અસભ્ય વર્તનના આક્ષેપનો મામલો ગરમાયો છે. શાળાના તમામ શિક્ષકો અને ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. આ આચાર્ય અગાઉ પણ અન્ય શાળાઓમાં વિવાદાસ્પદ રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક પામ્યા બાદ નરેન્દ્ર પટેલે વહીવટી કામગીરી કરવાને બદલે શિક્ષકો પર રોફ જમાવવાનું શરૂ કર્યું હોવાના આક્ષેપો થયા છે. આક્ષેપો મુજબ, આચાર્ય પોતે કોઈ શૈક્ષણિક કાર્ય કરતા નથી અને શિક્ષકોને બિનજરૂરી મિટિંગોમાં વ્યસ્ત રાખી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં રૂકાવટ ઉભી કરે છે. અગાઉ જોરાપુરા અને સોડપુર ખાતે ફરજ દરમિયાન પણ તેમના વિરુદ્ધ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને મારામારી કરવા જેવી ગંભીર ફરિયાદો ઉઠી હતી, જેના આધારે તેમની વહીવટી બદલી કરવામાં આવી હતી. હાલની શાળામાં પણ તેઓ પોતાની ઓળખાણ ઉચ્ચ સ્તરે હોવાનું કહી શિક્ષકોને ધમકાવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

શાળામાં આયોજિત 'બાલ્યાર્પણ' કાર્યક્રમ દરમિયાન આચાર્યની જોહુકમી પરાકાƒાએ પહોંચી હતી. આ કાર્યક્રમની પૂર્વતૈયારીના નામે તેમણે તમામ શિક્ષકોને સવારના ૧૦ઃ૦૦ વાગ્યાથી રાત્રિના ૧ઃ૦૦ વાગ્યા સુધી શાળામાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ દરમિયાન નાનાં બાળકો ધરાવતી મહિલા શિક્ષિકાઓએ ઘરે જવાની રજા માંગતા આચાર્યે અપશબ્દો બોલી તેમની માંગણી ઠુકરાવી દીધી હતી. આ ઉપરાંત, ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને પુખ્તાવસ્થાના શિક્ષણના નામે અલગ બેસાડીને આચાર્યે વિદ્યાર્થીઓને અત્યંત અભદ્ર અને બીભત્સ પ્રશ્નો પૂછયા હોવાનો ગંભીર આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

શિક્ષકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, આચાર્ય વારંવાર 'નરેન્દ્ર ઓન ફાયર' જેવા શબ્દોનો પ્રયોગ કરી પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરે છે. મિટિંગો દરમિયાન શિક્ષકોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવા અને રૂમના બારી-બારણાં બંધ કરી માનસિક ત્રાસ આપવો તેમની નિત્યક્રમ બની ગયો છે. સરકારી ગ્રાન્ટના નાણાં બાબતે પણ અનિયમિતતા આચરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને રોષે ભરાયેલા શિક્ષકો અને ગ્રામજનોએ આ આચાર્યને તાત્કાલિક અસરથી શાળામાંથી દૂર કરવા અને કડક તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરી છે.