ખેડૂતોને 8 કલાક જ વીજળી , 12 કલાક આપવા ખુદ ભાજપ ધારાસભ્યની રજૂઆત
BJP MLA's Demand provide 12 hours electricity to farmers : ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી જ મળે છે અને હાલ પખવાડિયાથી વરસાદી વિરામના પગલે કૃષિપાકને પિયતની જરૂરીયાત હોય ખેડૂતોને રોજ 12 કલાક વીજળી પૂરી પાડવા ભાજપના જ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.
પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયાએ ઉર્જામંત્રી કનુ દેસાઈને આજે પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત છે.ઉપરાંત ભારે વરસાદના કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવી પાકના વિકાસ માટે જરૂરી હોય છે જે માટે પાણી જરૂરી છે.
વધુમાં ઉર્જામંત્રીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાક માટે હાલ એક સાથે બોર-કૂવામાંથી મોટરો ચાલુ થતા વિજ માંગ વધી છે અને વિજ લાઈનમાં વિક્ષેપો ઉભા થાય છે. ખેડૂતોને આ સ્થિતિમાં કૃષિપાકને બચાવવા હાલ 8 કલાક વીજળી અપાય છે તેના બદલે 12 કલાક આપવાની જરૂર હોય તે માટે જેટકો, વિજકંપનીઓને સૂચના આપવા રજૂઆત કરાઈ છે.