Gujarat

સુરતના વરાછા ઝોનમાં પુષ્ટિ ગાર્ડનને રીડેવલ્પ કરવા સવા બે કરોડનો ખર્ચ કરવાની તૈયારી

By GS TEAM
20 Aug 20252 mins read
TukuTouch Logo
પાલિકાના અંદાજ કરતા રેનબો ઈન્ફાસ્ટ્રકચરે 28 ટકા નીચું ટેન્ડર ભર્યું : ગાર્ડન રીડેવલપ થાય પછી તેના મેઈન્ટેનન્સ માટે આયોજન જરૂરી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના વરાછા ઝોનમાં પુષ્ટિ ગાર્ડનને રીડેવલ્પ કરવા સવા બે કરોડનો ખર્ચ કરવાની તૈયારી

Surat Corporation : સુરત પાલિકાની ગાર્ડન માટેની પીપીપીની સુધારેલી પોલીસી ડેવલપર્સ માટે નુકસાનકારક થતાં પીપીપી ધોરણે ચાલતાં ગાર્ડનના મેઈન્ટેનન્સ સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો બીજી તરફ સુરત પાલિકા ગાર્ડનના મેઈન્ટેનન્સના આયોજનના બદલે જુના ગાર્ડન રીડેવલ્પ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. હાલમાં વરાછા ઝોનમાં આવેલા એક ગાર્ડનના રિડેવલપમેન્ટ માટે સવા બે કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે તે માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. 

સુરત પાલિકા પર્યાવરણની જાળવણી માટે શહેરમાં કરોડોના ખર્ચે ગાર્ડન તો બનાવે છે પરંતુ ત્યાર બાદ મેઈન્ટેનન્સની કામગીરી યોગ્ય ન થતી હોય કેટલાક ગાર્ડન ઉજ્જડ બની રહ્યાં છે જ્યારે પીપીપી મોડલ પણ નિષ્ફળ જતાં 15 કરોડના ખર્ચે બનેલો ડીંડોલીનો ફ્લાવર ગાર્ડને ખંભાતી તાળા લાગ્યા છે. 

સુરત પાલિકાના શાસકોએ પાલિકાની તિજોરી પર ભારણ ન આવે તે માટે ગાર્ડનનો ઝીરો મેઈન્ટેનન્સ પોલીસી બનાવી હતી. પરંતુ ત્યારબાદ અચાનક પોલીસીમાં બદલાવ કરતા પીપીપી ધોરણે ગાર્ડનનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ નવી શરત મુજબ કામગીરી કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. અને તેના કારણે ડિંડોલીમાં 15 કરોડના ખર્ચે બનાવેલો ફ્લાવર ગાર્ડનમાં લાંબા સમયથી તાળા લાગ્યા છે. આવી સ્થિતિમાં પાલિકાના અન્ય મોટા ગાર્ડનના મેઈન્ટેનન્સ માટે પોલીસી બનાવવાની માંગણી થઈ રહી છે. પરંતુ તેના બદલે પાલિકા જુના ગાર્ડન રીડેવલપ પર ભાર મૂકી રહી છે. 

સુરત પાલિકાના વરાછા ઝોનમાં ટી.પી.સ્કીમ નં 34 (મગોબ-ડુંભાલ) ફા.પ્લોટ નં.61 ખાતે પુષ્ટિ ગાર્ડન આવ્યો છે. લાંબા સમયથી આ ગાર્ડન બિસ્માર છે અને તેને રીપેર કરવા માટે માંગણી થઈ રહી છે. પાલિકાએ આ કામ માટેનો 3.17 કરોડના અંદાજ સાથે ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં ચાર એજન્સી આવી હતી. જેમાં રેનબો ઈન્ફાસ્ટ્રકચરે 28 ટકા નીચું એટલે કે 2.28 કરોડનું ટેન્ડર ભર્યું હતું. આઠ મહિના પહેલાં જાહેર બાંધકામ સમિતિ અને ગાર્ડન સમિતિમાં અંદાજ મંજુર થયા છે ત્યાર બાદ હવે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત આવી છે તેના પર ગુરૂવારે નિર્ણય કરાશે.