Gujarat

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી

By GS TEAM
28 Oct 20252 mins read
TukuTouch Logo
સુરતના વિવિધ મંદિરોમાં બાપાના જન્મ દિવસની ઉજવણી થશે : શોભાયાત્રા, મહાપ્રસાદી, મહા આરતી અને અન્નકુટના દર્શન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન

Summarized by AI; it may make mistakes. Check important info

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી

Surat : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આફત વરસી રહી છે તો બીજી તરફ સુરત શહેરના મંદિરોમાં સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી તડામાર તૈયારી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ભક્તોની શ્રદ્ધા અડગ જોવા મળી રહી છે આવતી કાલે બાપાની જન્મ જયંતી છે તે પહેલા જલારામ મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે બાપ્પાના ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હાલ સુરતમાં વરસાદી માહોલ હોવા છતાં પણ શહેરના મંદિરોમાં જલારામ જયંતિ ઉજવણી માટે રંગબેરંગી લાઈટ, કમાનો, ધજા, તોરણો બાંધીને શણગારવામાં આવી રહ્યા છે.

 સુરતના બાલાજી રોડ પર આવેલા જલારામ મંદિરમાં જલારામ જયંતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે તેના માટે આજથી જ તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં અન્નકૂટ, આરતી સાથે ભંડારો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મીની બજારમાં પટેલ સમાજની વાડીમાં સંગઠન દ્વારા જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે શોભાયાત્રા કાઢવામાં આવશે. સાથે પૂજન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

અડાજણ વિસ્તારમા આવેલા જોગણી નગર પાર્ટી પ્લોટ ખાતે પણ એક ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની ઉજવણીમાં પાદુકા પૂજન, મહાપ્રસાદી, આરતી સાથે રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત પાલનપોર જકાતનાકા મીની વિરપુર, ભાગળ સહિત અનેક મંદિરોમાં જલારામ જયંતિની ઉજવણી કરવા માટે સુરતીઓ થનગની રહ્યા છે.