જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ
જામનગરના પ્રદર્શન મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 10 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધીના 15 દિવસ માટેના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા કુલ મેળા માટેના કુલ 43 પ્લોટ પાડવામાં આવ્યા હતા, અને તેની હરાજીની પ્રક્રિયા દરમિયાન મહાનગરપાલિકાના તંત્રને બે કરોડ સાત લાખ જેવી જંગી આવક થઈ છે, અને મેળાના ધંધાર્થીઓ દ્વારા મેળા અંગેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમગ્ર મેળા મેદાનને સાફ સુથરૂ બનાવીને તેમાં પ્લોટીંગ પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, જ્યારે મેળાના મેદાનની અંદર કેટલીક ખાનગી બસો વગેરે રાખવામાં આવેલી હતી, તે તમામ બસો દૂર કરાવી જગ્યા ખુલ્લી કરાવીને સંપૂર્ણ મેળા મેદાન સમથળ બનાવી લેવામાં આવી રહ્યું છે. સાથો સાથ મેળાના ધંધાર્થીઓ કે જેઓ નાની મોટી મશીન મનોરંજનની રાઈડ લઈને જામનગર આવી પહોંચ્યા છે, અને મહાનગરપાલિકાના તંત્રએ પ્લોટિંગ કરી આપ્યા બાદ તેમાં રાઈડ ફીટ કરવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
આગામી 10 મી ઓગસ્ટ થી શ્રાવણી મેળો શરૂ થઈ જશે, તે માટે લાઇસન્સ મેળવવા સહિતની પ્રક્રિયાઓ પણ મેળાના ધંધાર્થીઓ દ્વારા શરૂ કરી લેવામાં આવી છે.