Get The App

જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું 1 - image

Jamnagar Police Recruitment : જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અને ગઈકાલે સાંજે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ જિલ્લા, પોલીસ વડા ડો.રવિ મોહન સૈની અને ચેલા-સેકટર-13 ના એસ.આર.પી. ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. 

શારીરિક ક્સોટી આજે તા.21 જાન્યુઆરીથી શરૂ થઇ છે, અને પ્રથમ દિવસે 700 ઉમેદવારો ભાગ લેશે. આ ભરતી પ્રક્રિયા આશરે દોઢ મહિના સુધી ચાલશે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 42,000થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે. જેમાં આજે પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે. ત્યાર બાદના દિવસોમાં 1200 ઉમેદવારો શારીરિક કસોટી આપશે. રજાના દિવસો બાદ દરરોજ 1600 ઉમેદવારો કસોટીમાં ભાગ લેશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 200 ઉમેદવારો એકસાથે રનિંગ ટ્રેક પર દોડશે. આશરે 385 મીટરનો રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. અને 5,000 મીટરની દોડ માટે ઉમેદવારોએ 13 રાઉન્ડ 25 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. ઉમેદવારો માટે કેન્ટીન અને શૌચાલય બોક્સની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ચેલા-13 એસ.આર.પી. ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ ગ્રાઉન્ડ પર સતત હાજર રહેશે. મેડિકલ ટીમમાં 108 એમ્બ્યુલન્સ જી.જી.હોસ્પિટલના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સ્ટેન્ડબાય રહેશે. શારીરિક કસોટી માટે આવનાર અન્ય જિલ્લાના ઉમેદવારોને હાલાકી ન પડે તે માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

 ગ્રાઉન્ડમાં ફક્ત શારીરિક કસોટી આપનાર ઉમેદવારોને જ પ્રવેશ મળશે. કોઈપણ પ્રકારની ડિજિટલ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા સુચારુ રીતે થાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈને ગ્રાઉન્ડમાં પ્રવેશ મળશે નહીં. ઉમેદવારોની સુવિધા અને સુરક્ષા માટે એસ.ટી.બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ કરાયું છે.