Gujarat

રાજકોટમાં પહેલી વખત 37 બ્રાંડનો 26 લાખનો પ્રિમિયમ દારૂ પકડાયો

By GS TEAM
24 Aug 20252 mins read
રાજકોટમાં પહેલી વખત 37 બ્રાંડનો 26 લાખનો પ્રિમિયમ દારૂ પકડાયો

પટેલનગર નજીક આવેલાં બંધ મકાનમાં દરોડો

દારૂ મંગાવનારને પીસીબીએ વોન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરી : સંબંધીએ પોતાને સંબંધ નહીં હોવાનું કહ્યું

રાજકોટ: રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે ૩૭ જુદી-જુદી બ્રાંડનો રૂા. ૨૬.૬૮ લાખની કિમતનો પ્રિમિયમ દારૂ પકડાયો છે. બ્રાન્ડનું વૈવિધ્ય જોઈને પોલીસની ટીમ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ છે.

પીસીબીનાં સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઇકાલે રાત્રે પીઆઈ ગોંડલિયા અને પીએસઆઈ હુણે પટેલનગર ખાતે સદ્દભાવના સોસાયટી શેરી નંબર ૩માં આવેલા એક મકાનમાં દરોડો પાડયો હતો. તે વખતે મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો.

અંદર જુદા-જુદા ત્રણ રૂમમાંથી જુદી-જુદી ૩૭ બ્રાન્ડની પ્રિમિયમ દારૂની ૭૮૦ બોટલ મળી આવી હતી, જેની પોલીસે રૂા. ૨૬.૬૮ લાખ કિમત ગણી હતી.

પીસીબીનાં સૂત્રોએ જણાવ્યું કે જે મકાનમાં દરોડો પાડવામાં આવ્યો છે તે ધર્મેશ સાવલિયાનું છે, જ્યાં દારૂનો જથ્થો અભિષેક વિપુલભાઈ ઠાકરે ઉતાર્યાની માહિતી મળી છે. જો કે તે મકાનમાંથી હાજર મળ્યો ન હોવાથી તેને વોન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

તે પકડાયા પછી જ આટલી બધી બ્રાન્ડનો દારૂ ક્યાંથી લઇ આવ્યો હતો, કેટલા સમયથી દારૂનો વેપલો કરે છે, મકાન ભાડે રાખ્યું હતું કે કેમ તે તમામ બાબતોનાં ખુલાસા થશે. હાલ તે ક્યાં રહે છે તે વિશે પણ ચોક્કસ માહિતી મળી નથી. તેનાં એક સંબંધીનો સંપર્ક થયો છે, જેણે તેની સાથે પોતાને કોઇ સંબંધ નહીં હોવાનું જણાવી દીધું છે.

પીસીબીની ટીમે જ્યારે મકાનમાં દરોડો પાડયો ત્યારે તેનો મુખ્ય દરવાજો ખુલ્લો મળી આવ્યો હતો. જે જોતા મકાનમાં રહેતો શખ્સ કે શખ્સોને અગાઉથી ગંધ આવી જતાં દરવાજો બંધ કર્યા વગર ભાગી ગયાની શંકા પણ છે.