Gujarat

ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત

By GS TEAM
16 Jul 20252 mins read
ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત

- ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા 

- શહેરમાં આવેલ તમામ બ્રિજ 1 થી 20 વર્ષ જુના, સ્પેશીયલ બ્રિજ કન્સલ્ટન્ટની ટીમ ટેસ્ટીંગ કરી રિપોર્ટ આપશે ત્યારબાદ જરૂરી કામગીરી કરાશે 

ભાવનગર : વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ સરકારી તંત્ર સક્રીય થયુ છે અને રાજ્ય સરકારની સૂચના અનુસાર તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાવનગર શહેરમાં પણ બ્રિજની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે, જેમાં કેટલાક બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત હોવાનુ જાણવા મળેલ છે. 

ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના અનુસાર ભાવનગર મહાપાલિકાએ ર૦ બ્રિજની પ્રાથમિક તપાસની કામગીરી હાથ ધરી હતી. મહાપાલિકાની ટીમ દ્વારા ત્રણ-ચાર દિવસથી કામગીરી કરવામાં આવી રહી હતી અને દરેક બ્રિજ પર રૂબરૂ જઈ કર્મચારી-અધિકારીઓએ તપાસ કરી હતી, જેમાં ર૦ બ્રિજમાંથી ૭ બ્રિજમાં સામાન્ય રીપેરીંગની જરૂરીયાત હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર શહેરમાં આવેલ તમામ બ્રિજ આશરે ૧૦ મીટરના માઈનર બ્રિજ છે અને આશરે ર૦ થી પ૦ વર્ષ જુના બ્રિજ છે. હાલ તમામ બ્રિજની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. 

મહાપાલિકાના સ્પેશીયલ બ્રિજ કન્સલ્ટન્ટની ટીમ દ્વારા તમામ બ્રિજની ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટેસ્ટીંગના રિપોર્ટ બાદ કન્સલ્ટન્ટની સૂચના અનુસાર જરૂરીયાત મુજબ રીપેરીંગ કામગીરી કરવામાં આવશે તેમ ભાવનગર મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

ટેસ્ટીંગના રિપોર્ટ બાદ કયાં બ્રિજ જર્જરીત અને જોખમી છે તે ખબર પડશે : અધિકારી 

ભાવનગર શહેરમાં આવેલ ર૦ બ્રિજમાંથી કોઈ બ્રિજ જર્જરીત કે જોખમી છે ? તે અંગે ભાવનગર મહાપાલિકાના રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર આર.એમ.લીંબોલાને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, શહેરમાં આવેલ ર૦ બ્રિજની પ્રાથમિક તપાસ કરાઈ છે અને હવે સ્પેશીયલ બ્રિજ કન્સલ્ટન્ટની ટીમ ટેસ્ટીંગ કરી રહી છે. ટેસ્ટીંગના રિપોર્ટ આવ્યા બાદ કોઈ બ્રિજ જર્જરીત કે જોખમી છે ? તે ખબર પડશે. 

આ 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત 

સુભાષનગર બ્રિજ

કુંભારવાડા બ્રિજ (સ્મશાન પાસે) 

કુંભારવાડા રેલવે અન્ડર બ્રિજ (એલ સી-રર૦) 

૧૪ નાળા બ્રિજ 

લંબે હનુમાન બ્રિજ 

રાજપુતવાડા, પ૦ વારિયા બ્રિજ 

નવા બંદર બ્રિજ 

અકવાડા અને નવા બંદર બ્રિજ નવા બનાવવા ડીપીઆર તૈયાર 

ભાવનગર શહેરમાં આવેલ અકવાડા અને નવા બંદર બ્રિજ જુના છે તેથી આ બંને બ્રિજ નવા બનાવવામાં આવશે. આ બંને બ્રિજના ડીપીઆર પણ તૈયાર થઈ ગયા છે અને આગામી દિવસોમાં બ્રિજ બનાવવા માટેની તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીએ જણાવેલ છે.