Gujarat

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગણતરી માટે આપવા પડશે

By GS TEAM
10 Nov 20252 mins read
TukuTouch Logo
કુટુંબના સભ્યોની સંખ્યા, નામ, મોબાઈલ નંબર ઉપરાંત, શૌચાલયનો ઉપયોગ, ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે મકાન બનાવવામાં ઉપયોગમાં આવેલી સામગ્રીની પણ માહિતી લેવાશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગણતરી માટે આપવા પડશે

Surat Digital Census : દેશમાં પહેલી ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટ લોન્ચ અન્ય શહેરો ઉપરાંત સુરતથી થયું છે. સુરતમાં આ પ્રિ-લોન્ચ ડીજીટલ માધ્યમથી થયું છે એક વોર્ડની ડીજીટલ વસ્તી ગણતરી માટે 170 કર્મચારીઓને જવાબદારી સોંપવામા આવી છે. હવે 30 નવેમ્બર સુધીમાં પ્રિ-ટેસ્ટની કામગીરી પૂરી કરાશે અને આ વસ્તી ગણતરી માટે કર્મચારીઓ લોકોના ઘરે જશે ત્યારે એક-બે નહીં પરંતુ 34 સવાલોના જવાબ આપવા પડશે. 

ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવા માટે પહેલી વખત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીજીટલ વસ્તી ગણતરી માટે રાજ્યમાં એકમાત્ર સુરત શહેરમાં અને તે પણ સ્લમ એરિયા આવતો હોય એ પ્રકારે સિટી સર્વે બ્લોકની પસંદગી કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં એક માત્ર સુરતના સીટી સર્વે વોર્ડ નંબર 2 ની પસંદગી કરવામાં આવી છે. આ માટે કર્મચારીઓને તાલીમ આપવા સાથે મોબાઇલમાં સોફ્ટવેર ડાઉનલોડ પણ કરી દેવામાં આવ્યું છે. 

આજે મુખ્યમંત્રીના હસ્તે ડીજીટલ વસ્તી ગણતરીના પ્રિ-ટેસ્ટ 2027 નું લોન્ચિંગ ઈવેન્ટ કરી દેવામાં આવી છે. આ ડીજીટલ વસ્તી ગણતરી  માટે કર્મચારીઓ લોકોના ઘરે જશે અને એક બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ લોકો પાસે લેશે. જેમાં મોબાઈલ નંબર ઉપરાંત લોકોના ઘરમાં રહેલા ઈલેકટ્રોનિક સાધનો સાથે વાહનોની વિગત પણ આપવી પડશે. આ ઉપરાંત કુટુંબની વિગત, સાથે ઘરના માલિકની જાતિ, એસ.સી., એસ.ટી અથવા અન્ય હોય તો તે પણ લખાશે. વસ્તી ગણતરી વખતે જે ઘરમાં વસવાટ કરે છે તે ઘર પોતાની માલિકીનું છે કે ભાડુઆત છે તેની વિગત પણ લેવામા આવશે. ઘરમાં શૌચાલય, બાથરુમ સુવિધા, રાંધવા માટેની ઈંધણ સામગ્રી, ઈન્ટરનેટ સહિતની માહિતી પણ ભરવી પડશે. 

આ  કામગીરી અર્થે 22 સુપરવાઈઝર તથા 133 ગણતરીદાર મળી કુલ 170 ની નિમણૂક કરવામાં આવી છે. સુરતના વોર્ડ નં. 2 (સગરામપુરા) બ્લોકમાં આવેલ DLM App માં જિયો ટેગ મેપિંગથી બાઉન્ડ્રી નક્કી કરવાની રહેશે. આ ઉપરાંત બીજા તબક્કામાં 15 થી 30 નવેમ્બર સુધીમાં HLO App (House Listing Operation) માં વિવિધ 34 જેટલા સમાન્ય/ટૂંકી માહિતીની વિગત ગણતરી દાર દ્વારા ડીજીટલ એન્ટ્રી કરશે. 

આ 34 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે 

  1. લીટી નંબર
  2. મકાન નંબર
  3. વસ્તી ગણતરી ઘર નંબર
  4. ભોંયતળિયામાં વપરાયેલ મુખ્યત્વે સામગ્રી
  5. દિવાલમાં વપરાયેલ મુખ્યત્વે સામગ્રી
  6. છતમાં વપરાયેલ મુખ્યત્વે સામગ્રી
  7. વસ્તી ગણતરી ઘરનો ઉપયોગ નક્કી કરો
  8. વસ્તી ગણતરી ઘરની સ્થિતિ
  9. કુંટુંબ નંબર 
  10. આ કુંટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યકિતની સંખ્યા
  11.  કુંટુંબના મુખ્ય માણસનું નામ
  12. કુંટુંબના મુખ્ય માણસની જાતી
  13. જો SC અથવા ST અથવા અન્ય હોય તો 
  14. ઘરની માલિકીની દરજજો
  15. આ કુંટુંબના તાબામાં રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા
  16. કુંટુંબમાં રહેતા પરિણિત દંપતી(ઓ)ની સંખ્યા
  17. પીવનાં પાણીના મુખ્ય સ્ત્રોત
  18. પીવનાં પાણીનો ઉપલબ્ધ સ્ત્રોત
  19. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત
  20.  શૌચાલયનો ઉપયોગ
  21. શૌચાલયની સુવિધાનો પ્રકાર
  22. ગંદા પાણીના નિકાલનું જોડાણ 
  23. પરિસરમાં સ્નાનાગૃહની ઉપલબ્ધતા
  24. રસોડું અને LPG/PNG ના જોડાણની ઉપલબ્ધતા
  25. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ
  26. રેડીયો/ટ્રાન્ઝીસ્ટર
  27. ટેલિવિઝન 
  28. ઈન્ટરનેટનો ઉપયોગ
  29. લેપટોપ/કોમ્પ્યુટર 
  30. ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટફોન
  31. સાઇકલ અને સ્કૂટર/મોટર સાયકલ/મોપેડ
  32. કાર/જીપ/વાન
  33. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ
  34. મોબાઈલ નંબર