Get The App

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે 'ગરબા મહોત્સવ', ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે 'ગરબા મહોત્સવ', ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ 1 - image


Vibrant Gujarat Pre Navratri 2025 : યુનેસ્કો દ્વારા માનવતાના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી 14 સપ્ટેમ્બર, 2025માં રોજ સાંજે 7:30 કલાકે ફિલ્ડ ક્લબ, ઉદયપુર ખાતે પ્રથમવાર“વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશિષ્ટ પ્રસંગે પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ તેમજ ગુજરાતી લોકનૃત્ય, તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા અનોખા નૃત્યથી અનન્ય ઊર્જાનો અનુભવ થશે. આ ઉપરાંત પ્રથમવાર પોસ્ટ નવરાત્રીના ભાગરૂપે નવરાત્રી બાદ 'શરદપૂનમ'ની રાત્રે દિલ્હીવાસીઓ માટે દિલ્હી ખાતે ખાસ ગરબા મહોત્સવ યોજાશે.  

આ ઉત્સવની તૈયારી અંતર્ગત 8 થી 13 સપ્ટેમ્બર સુધી ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સ્થાનિકો તેમજ મુલાકાતીઓ ગુજરાતી ગરબાની લય,તાલ અને ભાવના સાથે જોડાઈ શકે. આ નિ:શૂલ્ક  ગરબાનો સમય સવારે 10 થી 1 અને સાંજે 7 થી 11 કલાક નક્કી કરવામાં આવ્યો છે. ઉદયપુરમાં ગરબા વર્કશોપ અંગે વધુ વિગતો માટે મો. 63581 44611 ઉપર સંપર્ક કરી શકાશે.

ગુજરાત ટુરિઝમના પ્રવક્તાએ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ કરવા સૌ નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવતાં જણાવ્યું હતું કે, ગરબા વર્કશોપ અને મુખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ્ય સહભાગીઓને ગરબાની લય અને ભાવના સાથે જોડવાનો છે. આ ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉત્સવ દરમિયાન અનુભવી નૃત્યકારોથી લઈને પ્રથમ વાર ગરબાના તાલે ઝૂમનારા ઉત્સાહીઓ માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે અને સર્વે નાગરિકો માટે પ્રવેશ નિઃશૂલ્ક રહેશે. શ્રેષ્ઠ પરંપરાગત પોશાક, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે વિવિધ સ્વરૂપે રૂ.5000/- સુધીની મૂલ્યના આકર્ષક વાઉચર -ઇનામો પણ જાહેર કરવામાં આવશે. ઉપરાંત,ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઝલક આપતો આ ઉત્સવ માત્ર નૃત્ય-સંગીત પૂરતો મર્યાદિત ન રહી, ખેલૈયાઓ માટે ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને પરંપરાગત વિવિધ વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ આપશે.

Tags :