Gujarat

મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી, 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા

By GS TEAM
17 Jun 20252 mins read
મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી, 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા

- ભાવનગર મહાપાલિકાની કામગીરી સામે ઉઠતા સવાલો : બે વિસ્તારમાં વૃક્ષ પડયા

- ગંગાજળિયા તળાવ, નિર્મળનગર, શાસ્ત્રીનગર, કુંભારવાડા, સરિતા સોસાયટી, કાળિયાબીડ વગેરે વિસ્તારમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ 

ભાવનગર : ભાવનગર મહાપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે પરંતુ પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેમ થોડા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાય જતા હોય છે, ચાલુ વર્ષે પણ આવુ જ જોવા મળ્યુ હતું. આજે સોમવારે ભાવનગર શહેરમાં માત્ર બે ઇંચ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. 

ભાવનગર શહેરમાં આજે સોમવારે માત્ર બે ઇંચ વરસાદ પડયો હતો અને સામાન્ય વરસાદમાં જ ઘણા વિસ્તારના રોડ પર વરસાદી પાણી ભરાયા હતાં. વરસાદી પાણી ભરાયાની ૪ ફરિયાદ મહાપાલિકાના ફલ્ડ કંટ્રોલ રૂમમાં નોંધાઈ હતી, જેમાં ગંગાજળીયા તળાવમાં એલઆઈસી ઓફીસ પાસે તેમજ મલ્ટ્રી લેવલ પાર્કીગ પાસે, નિર્મળનગરમાં માધવરત્ન પાસે અને શાસ્ત્રીનગરમાં જૈન દેરાસર પાસે પાણી ભરાયા હતાં. આ ઉપરાંત બે વૃક્ષ પડયાની ફરિયાદ મળી હતી, જેમાં સુભાષનગર ચોક અને ટોપ થ્રીથી લીલા સર્કલ રોડનો સમાવેશ થાય છે. આ ફરિયાદ મળતા મહાપાલિકાનું તંત્ર દોડતુ થયુ હતુ અને કામગીરી હાથ ધરી હતી. 

ઉપરાંત કુંભારવાડા બ્રીજ, સરીત સોસાયટી, કાળિયાબીડમાં વિરાણી સર્કલ, આરટીઓ સર્કલ, વાઘાવાડી રોડ વગેરે જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને મૂશ્કેલી પડી હતી. પાણીની ટાંકી પાસે મહાપાલિકાએ રોડ ખોદી નાખ્યો છે તેથી લોકો પરેશાની થઈ હતી અને આરટીઓ સર્કલ પાસે રોડ ખરાબ છે તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડયા હતાં. સામાન્ય વરસાદમાં શહેરમાં લોકોને હાલાકી પડી રહી છે ત્યારે વધુ વરસાદ આવશે તો શું થશે ? તેવા સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે. આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા લોકો માંગણી ઉઠાવી રહ્યા છે.