6700 વિદ્યાર્થીઓની ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરુ

વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ પહેલા આજથી ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
વડોદરામાં ૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૬૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.જેમાં વડોદરા શહેરના સાત અને જિલ્લાના ત્રણ કેન્દ્રોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વખતે કરજણ પરીક્ષા કેન્દ્રનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેના કારણે આ વખતે કરજણ ખાતે પણ પહેલી વખત ધો.૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી રહી છે.
સવારે ૧૦ થી ૧ અને બપોરે ૨ થી પાંચ એમ બે બેચમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહ્યા છે.તા.૧૭ ફેબુ્રઆરી સુધી બોર્ડ પરીક્ષા ચાલશે.બોર્ડના નિયમો પ્રમાણે દરેક પરીક્ષા કેન્દ્ર પર જે તે સ્કૂલના શિક્ષકની સાથે અન્ય સ્કૂલના શિક્ષક પણ નિરિક્ષક તરીકે હાજર રહે છે.વિષય પ્રમાણે જોવામાં આવે તો કેમેસ્ટ્રી માટે ૬૭૮૫, ફિઝિક્સ માટે ૬૭૮૬ અને બાયોલોજી માટે ૩૩૨૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે.









