પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે
ચેરિટી કમિશનરે યોગી ડિવાઈન સોસાયટીની દાદ ગ્રાહ્ય રાખી પ્રબોધ જૂથને અવરોધ ઉભો ન કરવા સુચના
હરિધામ સોખડાથી અલગ થયેલ પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોપી દેવા સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરાયો હતો.
હરિધામ-સોખડાથી અલગ થઈને આત્મીય વિદ્યાધામ બાકરોલમાં રહેતાં પ્રબોધ જીવન જુથને કાનૂની લડતમાં નિષ્ફળતા સાંપડી છે. વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશ્નર ડૉ. યોગીનીબેન સીમ્પીએ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ -૧૯૫૦ ની કલમ ૪૧-એ હેઠળના હુકમમાં પ્રબોધજીવન જૂથના ગણાતા વહીવટકર્તાઓને આત્મીય વિદ્યાધામનો વહીવટ અને સંચાલન યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોંપી દેવા હુકમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, હરિપ્રસાદ સ્વામીએ યોગી ડિવાઈન સોસાયટીનો પાયો નાખ્યો હતો. વર્ષ 2021માં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મિલકત માટે આધ્યાત્મિક વારસદારો વચ્ચે જંગ શરૂ થયો હતો. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને જવાબદારી સોંપાઈ હતી. બે સંતોને જવાબદારી મળતા ઝઘડાના મૂળ રોપાયા હતા. વર્ષ ૨૦૨૨માં પ્રબોધ જીવનદાસનાં નેતૃત્વમાં ૧૭૯ જેટલા સંતોનું જૂથ હરિધામ સોખડા છોડીને નીકળી ગયા હતા. અને આત્મીય વિદ્યાધામમાં તેઓના રહેવા માટે વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમ્યાન પ્રબોધજીવન જૂથના લોકો ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ નિયુક્ત સમિતિના સભ્યોને આત્મીય વિદ્યાધામના વહીવટ અને સંચાલન માટે પ્રવેશ ન કરવા દેતા વિવાદ થયો હતો. જેથી યોગી ડિવાઇન સોસાયટી દ્વારા સંયુક્ત ચેરીટી કમિશ્નર સમક્ષ અરજી કરવામાં આવી હતી. યોગી ડિવાઈન સોસાયટીના સભ્યોને અને લોકોને મિલકતમાં પ્રવેશ કરતાં અને સંચાલન, વહીવટ અને રક્ષણ માટેની કોઈપણ પ્રકારની કામગીરી કરતા અટકાવે નહીં કે અવરોધ ઉભા કરે નહીં. ટ્રસ્ટીઓની પૂર્વ પરવાનગી વિના આત્મીય વિદ્યાધામ સંકુલમાં કોઈપણ કાર્યક્રમો યોજે નહીં વિગેરે બાબતે દાદ માંગવામાં આવી હતી. સંયુક્ત ચેરીટી કમિ. દ્વારા તેમના હુકમમાં અરજીની વિવિધ બાબતો અંગે માંગવામાં આવેલી તમામ દાદો મંજુર કરી છે. ઉપરાંત ટ્રસ્ટીઓને યોગ્ય રીતે વહીવટ કરવા અને પ્રબોધ જૂથના લોકોને ટ્રસ્ટીઓની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા સુચના આપી છે.