ધ્રાંગધ્રાના કોંઢ ગામે ખેડૂતોનો જનાક્રોશ
વીજ કંપની વળતરના દરમાં ભેદભાવ કરતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ ઃ ન્યાય નહીં મળે ત્યાં સુધી કામગીરી પર પ્રતિબંધ
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ સહિત સાત ગામોના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન અને વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચેનો વિવાદ હવે વકર્યો છે. રાવળીયાવદર, નારીચાણા, કોંઢ, રતનપર અને રામપરા સહિતના ગામોના ખેડૂતોએ કોંઢ ગામે એક મોટી બેઠક યોજી વીજ કંપનીની નીતિઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂત આગેવાનો ભરતસિંહ ઝાલા અને શક્તિસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, અન્ય તાલુકાઓમાં જંત્રી મુજબ જે દરથી જમીન અને પાકનું વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ધ્રાંગધ્રાના ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરમાં વીજ પોલ ઉભા કરવાથી અને લાઈનો પસાર થવાથી કાયમી ધોરણે ખેતીને નુકસાન થાય છે અને ભવિષ્યમાં પાક ઉત્પાદન પર પણ માઠી અસર પડે છે. આવી સ્થિતિમાં કંપની દ્વારા ચૂકવવામાં આવતું નજીવું વળતર સ્વીકાર્ય નથી.
આ સંમેલનમાં સાતેય ગામના ખેડૂતોએ સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ખાનગી પાવરગ્રીડ કંપની અન્ય તાલુકાની જેમ સમાન દરે વળતર ચૂકવવાની સ્પષ્ટતા નહીં કરે, ત્યાં સુધી કોઈપણ ખેતરમાં વીજ લાઈનની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. ખેડૂતોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે જો પૂરતા વળતર વગર કામ શરૃ કરવાનો પ્રયાસ કરાશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ જંગમાં ન્યાય ન મળે ત્યાં સુધી પીછેહઠ નહીં કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે.


