ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું

- કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી પોલીસે પ્રોટેક્શન આપ્યું હતું
- કોર્ટ આદેશની અવમાનના બદલ પાવરગ્રીડ કંપની અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ અંતે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરવાનું કામ બંધ કર્યું છે. કોર્ટ આદેશની અવમાનના બદલ પાવરગ્રીડ કંપની અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી પોલીસે વીજ કર્મીઓને પ્રોટેક્શન આપ્યું હતું.
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે જાદવજીભાઈ પટેલના ખેતરમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા વીજ વાયર નાખવાનું કામ શરૂ કરતા ખેતર માલિકને પૂરતું વળતર નહીં મળ્યું હોવાના આક્ષેપ સાથે કામ અટકાવ્યું હતું. પરંતુ બાદમાં પોલીસ પ્રોટેક્શન સાથે કંપનીના કર્મચારીઓ દ્વારા ફરીથી કામ શરૂ કરતા ખેડૂતે પાવરગ્રીડ કંપની સામે ધ્રાંગધ્રા સિનિયર સિવિલ કોર્ટ ખાતે કેસ દાખલ કર્યો હતો. જેમાં સિનિયર સિવિલ કોર્ટે કામ ચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો.
તેમ છતાં પાવરગ્રીડ કંપની કોર્ટના આદેશને ઘોળી પી ગયુ અને બીજા દિવસે કંપનીના કર્મચારીઓએ કામ શરૂ કર્યું હતું. કોર્ટનો આદેશ હોવા છતાં પોલીસે વીજ કંપનીના કર્મચારીઓને પ્રોટેક્શન પુરૂ પાડયું હતું. કોર્ટના આદેશનો ઇરાદાપૂર્વક અનાદર કરવાની અરજી ગત શુક્રવારે ધ્રાંગધ્રા સિવિલ કોર્ટ ખાતે દાખલ કરવામાં આવી હતી જેને લઇ તાત્કાલિક ધોરણે કંપનીએ શરૂ કરેલું કામ બંધ કરવા કોર્ટે આદેશ આપ્યો હતો.
બીજા દિવસે શનિવારે ખેડૂત જાદવજીભાઈ પટેલ દ્વારા કોર્ટના આદેશનો અનાદર કરવા મામલે પાવરગ્રીડ કંપની અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. ત્યારે હાલ કોર્ટના મનાઈ હુકમ બાદ પણ પાવરગ્રીડ કંપની દ્વારા કામ શરૂ કરવાના મામલે અંતે કોર્ટના કડક વલણથી કંપનીના કર્મચારીઓ દ્વારા કામ બંધ કર્યું હતું. ત્યારે આ તરફ ખેડૂતને આપેલા મનાઈ હુકમ સામે ખાનગી કંપની દ્વારા અપીલ અરજી કરવાની તૈયારી પણ દર્શાવી છે.









