સ્કીનની યુનાની સારવારના નામે વારીસે પાવર ગ્રીડના અધિકારી પાસે 25લાખ પડાવ્યાઃએક કીડાે કાઢવાના 3000

વડોદરા ઃ વડોદરા શહેરમાં ગેરેન્ટી સાથે રોગ મટાડવાની ખાતરી આપી લાખો રૃપિયા પડાવી લેતા ઠગો દર્દીઓના ખિસ્સા હળવા કરી રહ્યા છે ત્યારે સમા વિસ્તારમાં રહેતા કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આવી જ રીતે રૃ.૨૫.૪૩ લાખ ગુમાવતાં સમા પોલીસે કથિત ડોક્ટર વારીસ સામે ગુનો નોંધ્યો છે.
સમા-સાવલી રોડ પર પાવર ગ્રીડ નિકેતનના એ-ટાવરમાં રહેતા અને પાવર ગ્રીડ નિકેતન કંપની(મુડેઠા, ડીસા)માં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ રાઠોડ સાથે નવેમ્બર-૨૦૨૪ બાદ સારવારના નામે ઠગાઇ શરૃ થઇ હતી.
પોલીસે કહ્યું છે કે,અધિકારીને સ્કીનનો રોગ હોવાથી કેટલાક ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી.નવેમ્બર-૨૪માં પતિ-પત્ની એક કામ માટે નીકળ્યા ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તમારા જેવી સ્કીનની મને તકલીફ હતી,પણ યુનાની સારવાર કરવાથી હવે કોઇ તકલીફ રહી નથી તેમ કહી ડો.વારીસનો નંબર આપ્યો હતો.
દંપતીએ વારીસને ફોન કરતાં તે ત્રણ દિવસમાં જ ઘેર આવી ગયો હતો અને ફૂંકણીથી અધિકારીના શરીરમાંથી પિત્ત જેવો રસ અને એક કીડો કાઢ્યા હતા.તેણે ઘણા કીડા કાઢવા પડશે તેમ કહી એક કીડાની કિંમત રૃ.૩હજાર નક્કી કરી પહેલે દિવસે રૃ.૧.૫૦ લાખના કીડા કાઢ્યા હતા.પછી તેણે વધુ સારવારના નામે રૃ.૧૦.૫૦લાખ પડાવ્યા હતા અને ૩.૩૦લાખની દવા આપી હતી.
ફેર નહિ પડતાં વારીસે રાવપુરાની દુકાનેથી બીજી ૫.૨૧લાખની દવા અપાવી કુલ રૃ.૨૫.૪૩લાખ પડાવ્યા બાદ સંપર્ક ઓછો કર્યો હતો અને દવા મંગાવવી હોય તો જાણ કરજો તેમ કહ્યું હતું.જેથી અધિકારીની પત્નીએ સમા પોલીસને જાણ કરતાં ડીસીપી પન્ના મોમાયાએ પીઆઇ એમબી રાઠોડને તપાસ સોંપી હતી.પોલીસ વારીસની પૂછપરછ કરી રહી છે.
અક્ષરચોકમાં ડો.સિદ્દીકીએ મહિલાના પગમાંથી પશ કાઢી 3.51 લાખ ખંખેર્યા હતા
અક્ષરચોક વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન વકીલ નિરંજનકુમાર ગઇ તા.૪-૧૧-૨૧ના રોજ તેમના પત્ની સાથે અલકાપુરી હવેલીથી નીકળીને કાર તરફ જતા હતા ત્યારે નિતીન અગ્રવાલ નામના શખ્સે તેની માતા અને પત્નીને યુનાની સારવારથી હવે કોઇ તકલીફ રહી નથી તેમ કહી ડો.સિદ્દીકીનો નંબર આપ્યો હતો.
પછી સિદ્દીકીએ ઘેર આવીને ઘૂંટણમાંથી પશ કાઢવા એક વખતના રૃ.૪ હજારનક્કી કરી ૮૯ વખત પશ કાઢ્યું હતું અને ડિસ્કાઉન્ટ સાથે ૩.૫૧લાખ લીધા હતા અને ત્યારબાદ મહિલાને કોઇ ફેર નહિ પડતાં અને સિદ્દીકીએ પણ રિસ્પોન્સ નહિ આપતાં જેપીરોડ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
નવાપુરામાં પણ ઘુંટણની સારવાર માટે સિદ્દીકીએ 4 લાખ પડાવ્યા હતા
આર.વી.દેસાઇ રોડ પર જયનગર સોસાયટીમાં રહેતા ૮૨ વર્ષના વિનોદચંદ્ર પંડયા પત્ની સાથે શો રૃમમાં ગયા ત્યારે નીતિન અગ્રવાલે તેની પત્નીને યુનાની ડો. સિદ્દીકીની સારવાર કરાવતા તેની તકલીફ દૂર થઇ ગઇ હોવાનું કહી તેનો નંબર આપ્યો હતો.
દંપતીએ વાત કરતાં તા.૨૩--૨૨ના રોજ ડો.સિદ્દીકીએ ઘેર આવી ફૂંકણી દ્વારા પશ કાઢ્યું હતું અને એક સિટિંગના ૨૫૦૦ નક્કી કરી રૃ.૪ લાખ પડાવ્યા હતા.સિનિયર સિટિઝને ચેક આપ્યો હતો.જે ચેક સિદ્દીકીએ પ્રફુલત્તાબેન સત્યવાનભાઇ પાટિલના નામે જમા કરાવી રૃપિયા ઉપાડયા હતા.જે અંગે નવાપુરામાં ફરિયાદ નોંધાઇ હતી.
બોગસ ડોક્ટરોનું વચેટિયાઓ દ્વારા ફેલાયેલું નેટવર્ક,બગીચા-મંદિરો પર અડિંગો
યુનાની સારવારના નામે રાજસ્થાનથી આવતા બોગસ ડોક્ટરોનું મોટું નેટવર્ક ચાલતું હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,કથિત યુનાની ડોક્ટરો તેમના એજન્ટો મારફતે બગીચા,મંદિરો,મોલ કે હોસ્પિટલો પર નજર રખાવતા હોય છે.પૈસા ખર્ચી શકે તેવા અને અસાધ્ય રોગથી પીડાતા હોય તેવા લોકોને મળીને એજન્ટો પોતાના ઘરના મેમ્બરને થયેલા ફાયદાની વાત કરી વિશ્વાસમાં લેતા હોય છે.
પીડિત વ્યક્તિ યુનાની ડોક્ટરનો સંપર્ક કરે એટલે બે-ત્રણ દિવસમાં જ ડોક્ટરો ઘેર પહોંચી જતા હોય છે અને પશ કાઢવાના નામે કે કીડા કાઢવા જેવી સારવારના નામે રૃપિયા પડાવી લેતા હોય છે.સામેવાળાને વિશ્વાસમાં લેવા ચેકથી પણ પેમેન્ટ લેતા હોયછે.
ત્રણ દિવસમાં જ આવીગયો,રાવપુરાની દુકાનમાંથી ૫ લાખની દવા અપાવી
સમા સાવલી રોડના અધિકારીએ ફોન કરતાં વારીસ એક સપ્તાહ પછી આવીશ તેમ કહી ત્રણ દિવસમાં જ આવી ગયો હતો અને સારવાર કરી હતી.કોઇ ફેર નહિ પડતાં તેણે દવા બદલવી પડશે તેમ કહી રાવપુરાના બી એ ફતેહઅલીખાન એન્ડ સન્સને ત્યાં મોકલી દુકાનદાર સાથે ફોન પર વાત કરી હતી અને રૃ.૫.૨૧ લાખની દવા અપાવી હતી.








