ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાના 74 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ

- બે દિવસ દરમિયાન 270 ગામોમાં અંધારપટ્ટ, સામાન્ય જનજીવનને અસર
- જિલ્લામાં બીજા દિવસે હજુ 60 ફીડરો બંધ, વરસાદના કારણે 174 વીજપોલ પડી ગયા, 7 ટ્રાન્સફોર્મ ક્ષતિગ્રસ્ત
ભાવનગરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ વીજળી ગૂલ થઈ હતી અને તેમાં પણ ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે વીજ પુરવઠો ખોરવાયો છે. વરસાદની સ્થિતિના પગલે છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લાના કુલ ૨૭૦ ગામોમાં અંધારપટ્ટ છવાયો હતો. જેની સીધી અસર સામાન્ય જનજીવન પર પડી હતી. જોકે પીજીવીસીએલ દ્વારા ૧૯૬ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં હજુ જિલ્લાના ૭૪ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ હોવાથી લોકોને ભારે હાલકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત વરસાદના કારણે જિલ્લામાં કુલ ૧૭૪ વીજપોલ પડી ગયા છે અને તેમાં પણ મોટા ભાગના વીજપોલ ખેતીવાડી વિસ્તારમાં હોવાથી પાણી ઓસર્યાં બાદ અને ખેતરમાં જઈ શકાય તેવી સ્થિતિ થયા બાદ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજપોલ બદલાવવાની અને રિપેરિંગની કામગીરી કરવામાં આવશે. હાલ જિલ્લાનું મોટાભાગનું વીજતંત્ર જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત્ થાય તે માટે કામે લાગ્યું છે. બીજી તરફ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં વીજતંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.








