Get The App

શહેરના ૩૦ જેટલા ફીડરો પર વીજ પ્રવાહ ખોરવાતા 50000 ઘરોમાં વીજળી ગુલ

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
શહેરના ૩૦ જેટલા ફીડરો પર વીજ પ્રવાહ ખોરવાતા 50000 ઘરોમાં વીજળી ગુલ 1 - image

વડોદરાઃ વડોદરામાં ગુરુવારની મધરાતે તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો.આ દરમિયાન અગાઉની જેમ જ શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનો હેરાન પરેશાન થયા હતા.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં મેન્ટેનન્સ કરવામાં આવે છે.આમ છતા ગુરુવારે ભારે પવનના કારણે શહેરના ૩૦ જેટલા ફીડરો પર દસ મિનિટથી લઈને દોઢ કલાક સુધી વીજ પ્રવાહ બંધ થયો હતો.ખાસ કરીને પૂર્વ વિસ્તારના ખોડિયાર નગર સબ ડિવિઝન, ઈન્દ્રપુરી સબ ડિવિઝન, પાણીગેટ સબ ડિવિઝનનો મોટો વિસ્તાર પ્રભાવિત થયો હતો.લગભગ પચાસ હજાર ઘરો  અંધારામાં રહ્યા હતા.કેટલીક જગ્યાએ વીજ લાઈનો પર બેનરો પડયા હતા.જોકે વીજ કંપનીની ટીમોએ યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરી હતી અને તેના કારણે વીજ પુરવઠો ફરી શરુ કરાયો હતો.

 વીજ કંપનીએ બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને શરુ કરેલા કોલ સેન્ટર પર પણ ફોન લાગતા નહીં હોવાની ફરિયાદો ગ્રાહકોએ કરી હતી.વીજ કંપનીનો દાવો છે કે, આ સેન્ટર પર એક સાથે ૧૦૦ કરતા વધારે કોલ રિસિવ કરી શકાય છે.આમ છતા ગુરુવારની મધરાતે આ હેલ્પલાઈન પણ વ્યસ્ત હોવાની રેકોર્ડ વાગતી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે વડોદરા સિવાય મધ્ય ગુજરાતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના કારણે ૫૦ જેટલા ફીડરો પર વીજ પ્રવાહ બંધ થયો હતો.જોકે એમજીવીસીએલના માળખાને કોઈ ખાસ નુકસાન થયું નથી.થાંભલા પડી ગયા હોય તેવી પણ ઘટના ધ્યાનમાં આવી નથી.

Tags :