Gujarat

વડોદરામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ : છાણી-તાંદળજામાં હોબાળો

By GS TEAM
2 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે વરસાદનો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ થઈ હતી. જ્યારે છાણી અને તાંદલજા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ : છાણી-તાંદળજામાં હોબાળો

Vadodara : વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે વરસાદનો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ થઈ હતી. જ્યારે છાણી અને તાંદલજા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

વડોદરા સહિત ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ ચાર દિવસમાં ભારે તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહીના પગલે શહેરમાં ગઈ રાત્રે વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર છાણી વિસ્તાર અંધારપટમાં ફેરવાતા સ્થાનિકો આખી રાત ગરમી અને બફારામાં શેકાયા હતા. 

ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં તા. 1થી 4 સુધી ભારે વાવાઝોડા સહિત કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી થઈ હતી. આ આગાહી પહેલા જ દિવસે મહદ્અંશે સાચી સાબિત થઈ હતી. ગઈ રાત્રે આશરે 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન બાદ તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી વધુ વૃક્ષો તૂટી પડ્યા હતા. જ્યારે બીજી બાજુ શહેરના કેટલાક વિસ્તારમાં વીજળી પણ વેરણ થઈ ગઈ હતી. આવી જ રીતે છાણી વિસ્તારમાં પણ વાવાઝોડા અને વરસાદના કારણે વીજળી ખોરવાઈ હતી. લાઈટો ગુલ થતા સ્થાનિકો આખી રાત ગરમી અને બફારામાં શેકાયા હતા. વીજ નિગમ કચેરીએ અનેકવાર ફોન કરવા છતાં વારંવાર જુદો જુદો સમય બતાવતો હતો. 

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા એક અઠવાડિયાથી જાણી વિસ્તારમાં રાત્રિના સમયે લાઇટો ભૂલ થઈ જાય છે આજે ભારે વરસાદને કારણે લાઇટો છેલ્લા ત્રણ કલાકથી ભૂલ થઈ ગઈ હતી એમજીવીસીએલના કર્મચારીઓને ફરિયાદ માટે ફોન કરવામાં આવે છે છતાં કોઈ ફોન ઉપાડતું નથી.

 એ જ પ્રમાણે તાંદળજા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે લાઇટો ભૂલ થઈ હતી. જે સવારે 10 વાગ્યા સુધી આવી નહીં જેથી તાંદળજા વિસ્તારના અલગ અલગ સોસાયટીમાં રહેનારા લોકોએ એમજીવીસીએલની ઓફિસ ખાતે પહોંચી જઈ રોષ ઠાલવ્યો હતો. ફરિયાદ પણ લેવામાં આવતી નથી અને ફરિયાદમાં કોઈ સમય પણ લખવામાં આવતો નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. એક બાજુ એમજીવીસીએલ બિલ આપે છે અને તુરંત નાણા ભરવામાં વિલંબ થાય તો કનેક્શન કાપી નાખતા હોય છે ત્યારે એમજીવીસીએલ દ્વારા વધારાની ટીમો મૂકી તાત્કાલિક સમારકામની કામગીરી કરાવવી જોઈએ તે કરાવતી નથી.