ઉનાળાની આકરી ગરમી વચ્ચે આજથી 3 દિવસ, શહેરના 3 ફીડરમાં વીજકાપ
- પ્રિ-મોનસૂન અને મેઈન્ટેનન્સની કામગીરી હોવાથી વીજકાપ રહેશે
- સિટી-૧ ડિવિઝનના 3 ફીડરના 10 થી વધારે વિસ્તારોમાં ક્રમશઃ સવારે 6 થી 11 સુધી વીજ પુરવઠો બંધ રહેશે
પીજીવીસીએલ દ્વારા ભાવનગર સીટી-૧ ડિવિઝન હેઠળના ત્રણ ફીડરોમાં પ્રિ-મોનસૂન અને મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલથી ત્રણ દિવસ સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધીનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે તા.૫ મેના રોજ ફેરી બંદર ફીડરના જુનાબંદર રોડ, રેલવે ગુડ્ઝ પ્લેટફોર્મ, શ્રીરામ ટીમ્બર, વિશ્વકર્મા મિલ, દિલબહાર કન્ટેનર વિસ્તારમાં, તા. ૬ મેના રોજ વાલકેટ ગેટ, પોર્ટ કોલોની, આલ્કોક એશડાઉન, વાયરલેસ ઓફીસ, ભારત પેટ્રોલિયમ વિસ્તારોમાં તથા ૭મી મેના રોજ પ્રેસ રોડ, વાલકેટ ગેટ પોલીસ ચોકી અને સબ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચાર કલાકનો વીજકાપ ઝિંકાયો છે. ગત એપ્રીલ માસના અંતિમ સપ્તાહમાં સીટી-૨ ડિવિઝન હેઠળના વિસ્તારો બાદ હવે સીટી-૧ ડિવિઝનના વિસ્તારોમાં પ્રિ-મોનસૂન અને મેઈન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે વીજકાપ ઝિંકવામાં આવતા નગરજનોએ ઉનાળાની આકરી ગરમીમાં શેકાવું પડશે. જોકે મેઈન્ટેનન્સની કામગીરી વહેલી પુર્ણ થઈ જશે તો વહેલાસર વીજ પુરવઠો પુર્વવત્ કરી દેવામાં આવશે તેમ પીજીવીસીએલ તરફથી જણાવવામાં આવ્યું છે.