Get The App

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું 1 - image

- કોર્ટના આદેશને કંપની અને પોલીસ ઘોળીને પી ગયું

- કોર્ટે કામ બંધ રાખવાનો આદેશ આપ્યો છતાં પોલીસે કંપનીના કર્મચારીઓને પ્રોટેક્શન આપ્યું

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે ૬ઠ્ઠી નવેમ્બરે પાવરગ્રીડ કંપનીના કર્મચારી અને ખેડૂતો વચ્ચે વળતર બાબતે ઘર્ષણ થયું હતું. જેને લઇ ખેડૂત જાદવજીભાઈ પટેલ દ્વારા ધ્રાંગધ્રા સિનિયર સિવિલ કોર્ટ ખાતે પાવરગ્રીડ કંપની સામે કેસ દાખલ કર્યોે હતો અને ૧૧મી તારીખે ધ્રાંગધ્રા કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ દ્વારા   પાવરગ્રીડ કંપનીને ખેતરમાં કામ બંધ રાખવા માટે હાલ પૂરતો (કામ ચલાઉ) મનાઈ હુકમ કરવામાં આવ્યો છે. 

સિનિયર સિવિલ કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા શુક્રવારના રોજ વાવડી ગામના ખેડૂતના ખેતરમાં વીજ વાયર નાખવાનું કામ પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કર્યું હતું. કોર્ટમાંથી મનાઈ હુકમ હોવા છતાં પણ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેતરમાં કામ શરૂ કરતા કોર્ટના આદેશનો અનાદર કર્યોે હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યોે હતો. જે મામલે પાવરગ્રીડ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર ગોપાલભાઈ સાથે ટેલીફોનીક સંપર્ક કરતા કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટના મનાઈ હુકમનું અનાદર કરી કંપનીના કર્મચારીઓ દ્વારા ફરી કામ શરૂ કરતા કંપની સામે ખેડૂત ફરીથી કોર્ટના શરણે ગયા હતા. ત્યારે હવે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા કોર્ટના આદેશનું અનાદર કરવાની અરજીને લઈ સિવિલ કોર્ટ કંપની સામે કેવા અને કયારે પગલા ભરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.? 

પોલીસ કોર્ટના આદેશનું પાલન કરાવવાના બદલે મૂકપ્રેક્ષક બની 

વાવડી ગામના જાદવજીભાઈ પટેલના ખેતરમાં પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કરવાનો કોર્ટ આદેશ અને કામ ચલાઉ મનાઈ હુકમ આપ્યો હોવા છતાં કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી ફરી કામ શરૂ કરતા પોલીસ દ્વારા ખાનગી કંપની પાસે કોર્ટના આદેશનું પાલન કરાવવાના બદલે મૂકપ્રેક્ષક બની તમાશો જોતી રહી.

પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે કડક કાર્યવાહી કરવા માંગ

ધ્રાંગધ્રા તાલુકામાં અલગ અલગ ગામોમાં હાલ પાવરગ્રીડ કંપની દ્વારા વીજ વાયર અને વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અનેક ગામોમાં કંપનીના કર્મચારીઓ અને ખેડુતો વચ્ચે ઘર્ષણ અને રકઝકના બનાવો બની રહ્યા છે છતાય કંપની પોતાની મનમાની ચલાવી રહી છે ત્યારે ઉચ્ચ કક્ષાએ થી આ અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને કડક સુચનાઓ આપવામાં તેવી પણ માંગ ઉઠવા પામી છે.