Gujarat

જેટકોના સબ સ્ટેશનમાં ફોલ્ટ, નંદેસરી જીઆઈડીસીમાં વીજ પુરવઠો ખોરવાયો, ઉત્પાદન ઠપ

By GS TEAM
28 Jun 20252 mins read
જેટકોના સબ સ્ટેશનમાં ફોલ્ટ, નંદેસરી જીઆઈડીસીમાં વીજ પુરવઠો ખોરવાયો, ઉત્પાદન ઠપ

વડોદરાઃ શહેરના છેવાડે આવેલા સરકારી વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)ના સબ સ્ટેશનમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા સમગ્ર નંદેસરી વિસ્તારમાં બપોરથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

મળતી વિગતો પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીના નંદેસરી સબ ડિવિઝનના ૧૪ ફીડરો પરનો વીજ સપ્લાય બંધ થયો હતો.જેના કારણે  નંદેસરી  જીઆઈડીસીના ૨૫૦ જેટલા ઉદ્યોગોમાં ઉત્પાદન ઠપ થઈ જતા કરોડો રુપિયાનું નુકસાન થયું હતું.

વીજ કંપનીના સૂત્રોનું કહેવું હતું કે, નંદેસરી ગામ અને આસપાસના વિસ્તારમાં ચેન્જ ઓવર કરીને વીજ સપ્લાય ચાલુ કરી દેવાયો હતો પરંતુ  નંદેસરી જીઆઈડીસીના ઉદ્યોગોમાં આખો દિવસ વીજ પ્રવાહ ખોરવાયેલો રહ્યો હતો અને મોડી રાત્રે વીજ પુરવઠો ફરી ચાલુ કરી દેવાયો હતો.

જોકે નંદેસરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું કહેવું છે કે, વીજ પ્રવાહ શરુ થતા બે દિવસનો સમય લાગશે.વીજળીના ધાંધિયાની સમસ્યા જૂની છે.આ બાબતે વારંવાર રજૂઆત થઈ છે.જેટકોનું સબ સ્ટેશન ૧૯૬૭માં બનેલું છે અને અત્યારનો વીજ લોડ લેવા માટે સક્ષમ પણ નથી.આમ છતા નવું સબ સ્ટેશન બનાવવામાં અખાડા થઈ રહ્યા છે.જેના કારણે સરકારના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ...ના દાવા પણ પોકળ હોવાનું સાબિત થઈ રહ્યું છે.

સરકારની એક એજન્સી જ બીજી એજન્સી માટે અવરોધ 

સબ સ્ટેશન માટે પ્લોટ આપવામાં જીઆઈડીસી અખાડા કરી રહી છે

નંદેસરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલનું કહેવું છે કે, જેટકો દ્વારા નવું સબ સ્ટેશન બનાવવા માટે નવા પ્લોટની માંગણી થઈ હતી.અમે ૫૦૦૦ ચોરસ મીટરનો પ્લોટ શોધ્યો હતો.જેના પર કોઈએ ગેરકાયદે કબ્જો કરી રાખ્યો છે.જોકે જીઆઈડીસી દ્વારા  જેટકોને આ પ્લોટને લઈને યોગ્ય જવાબ અપાઈ રહ્યો નથી.ઉલટાનું જેટકોને જીઆઈડીસી કહી રહી છે કે, આ પ્લોટ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેનો કબ્જો લઈ શકે છે.જેનો અર્થ એ છે કે, જેટકોએ જાતે જ તેના પર થયેલા દબાણ હટાવવાની કામગીરી કરવી પડશે.આમ એક સરકારી એજન્સી બીજી  એજન્સી માટે અવરોધ ઉભો કરી રહી છે અને સરકારના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના દાવાની મજાક ઉડી રહી છે.