વડોદરામાં રોડ પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરી દેવાશે
Vadodara Corporation : વડોદરા શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રાહિમામ છે. કોર્પોરેશનમાં આજે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી રોડ પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરી દેવા કહ્યું છે. કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં પડેલા ખાડાથી લોકોને જે અસુવિધા ઊભી થઈ છે તે હવે ન થાય તે માટે રોડ મોટરેબલ બનાવવા કહ્યું છે.
હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી કાર્પેટિંગ થઈ શકશે નહીં, પરંતુ હોટ મિક્સ, કોલ્ડ મિક્સ ડામર વગેરે માલ નાખીને ખાડાનું પુરાણ કરવામાં આવશે. કોર્પોરેશનનો આ મટીરીયલનો પ્લાન્ટ ચાલુ કરી માલ સપ્લાય બરાબર મળતો રહે તેવી પણ વ્યવસ્થા થશે. અગાઉ જ્યાં ડ્રેનેજ અને રોડની કામગીરી માટે ખોદકામ થયું હોય અને ખાડા પડ્યા હોય તો તે પુરવાની પણ સૂચના આપવામાં આવી છે. ચોમાસા બાદ રોડ કાર્પેટિંગ, આરસીસી રોડ અને નવા રોડ બનાવવા સંદર્ભે અલગથી એક બેઠક કરવામાં આવશે. હાલ જે રોડની ફરિયાદો થઈ છે તેના થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે, જેના આધારે રોડ ગેરેન્ટી પિરિયડમાં છે કે કેમ તે જાણી આગળની કાર્યવાહી થશે. જો ઇજારદારે ટેન્ડરની શરતો મુજબ રોડની કામગીરી કરી નહીં હોય તો પેનલ્ટી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડ્રેનેજ અને પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ જે પુરાણ કર્યું હોય તેનું સેટલમેન્ટ થાય તે પૂર્વે વરસાદ ચાલુ થઈ જતા પણ ખાડા પડ્યા છે. એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરોએ અઠવાડિયામાં ખાડા પૂરવાની કામગીરી થઈ જશે તેવી ખાતરી આપી હોવાનું તેમણે કહ્યું હતું.