Get The App

સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર 1 - image

Surat : સુરત મહાનગરપાલિકાના કામકાજ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. શહેરના માર્ગોની નબળી ગુણવત્તાની ફરિયાદો વચ્ચે હવે ફૂટપાથના નિર્માણમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તાજેતરમાં, અઠવા ઝોનમાં એક વ્યક્તિ ફૂટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક ફૂટપાથ બેસી પડતાં તેને ઈજા થઈ હતી. આ ઘટનાએ ફૂટપાથના નિર્માણ કાર્યમાં નબળી સામગ્રી અને યોગ્ય પુરાણ ન કરાયું હોવાના દાવાઓને સમર્થન આપ્યું છે.

ફૂટપાથ પર ચાલવું પણ જોખમી બન્યું

વરસાદની શરૂઆત સાથે જ સુરતમાં રસ્તાઓ પર ઠેર ઠેર ભુવા પડવાની અને રસ્તાઓ બિસ્માર થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેના કારણે રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. હવે, સૌથી વિકસિત ગણાતા અઠવા ઝોનમાં જોગર્સ પાર્ક નજીક આવેલા પોદાર એવન્યુ એપાર્ટમેન્ટ બહારની ફૂટપાથ પણ અસુરક્ષિત સાબિત થઈ છે. આ ફૂટપાથ પર દરરોજ હજારો લોકો અવરજવર કરે છે. ગઈકાલે, એક વ્યક્તિ પોતાના શ્વાન સાથે વોકિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ફૂટપાથ પર મોટો ભુવો પડ્યો હતો. ભુવામાં ફસાઈ જતાં તે વ્યક્તિને પગમાં ઈજા થઈ હતી.

ભ્રષ્ટાચારના આક્ષેપો અને તપાસની માંગ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફૂટપાથ બનાવતી વખતે તેની નીચે યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. આ જ કારણોસર, સામાન્ય વરસાદમાં જ ફૂટપાથ બેસી ગઈ અને ભુવો પડ્યો. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ફૂટપાથના નિર્માણ કાર્યમાં મોટા પાયે વેઠ ઉતારવામાં આવી છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો છે. આવી જ રીતે અન્ય ઘણી જગ્યાઓએ પણ ફૂટપાથ નીચે યોગ્ય પુરાણ ન થયું હોવાથી આ ફૂટપાથો પણ લોકો માટે જોખમી બની શકે છે તેવી ફરિયાદ પણ બહાર આવી છે. આ ઘટનાએ સુરત પાલિકાના કામકાજની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને આ મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે.

Tags :