રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

- તૂટેલા માર્ગોને કારણે સ્પીડમાં ઘટાડો, વારંવાર બ્રેક મારવાની નોબત
- રિસ્પોન્સ ટાઈમ શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ હતો એ ૨૦ મિનિટ સુધી, તો ગ્રામીણ ક્ષેત્રમાં ૨૨ મિનિટનો સમય હતો એ વધીને ૩૦-૩૫ મિનિટ સુધી પહોંચ્યો
- સૌથી વધુ સગર્ભા અને હ્ય્દયરોગના દર્દીઓને લઈ જતાં ૧૦૮ એમ્બ્યૂલન્સના પાયલટ માટે વિકટ સ્થિતિ
- ૧૦૦-૧૨૦ કિ.મી.ને બદલે માત્ર ૫૦-૬૦ કિ.મી. ઝડપે એમ્બ્યુલન્સ ચલાવવી પડી રહી છે
રાજકોટ: વડોદરાની ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકારે ડેમેજ કંટ્રોલ માટે રાજ્યભરમાં તૂટેલા માર્ગો અને બિસમાર પુલનો સર્વે-સમારકામનો આદેશ છોડયો, ને દરેક જિલ્લામાં સરકારી તંત્રએ દોડધામ ચાલુ કરી, અમુક થાગડ-થીગડ કરીને ઉચ્ચકક્ષાએ રિપોર્ટ જમા કરાવીને કાર્ય-સંતોષ માની લીધો, પણ સ્થિતિ સુધરવાને બદલે આજે વધુ ભયંકર બની છે. શહેરોમાં તો વાહન મળી જાય પણ ગ્રામ્ય વિસ્તારોમાં આપત્તી સમયની જીવાદોરી સમાન ૧૦૮ ઈમરજન્સ એમ્બ્યૂલન્સ સેવાની હાલત કફોડી બની છે. તૂટેલા માર્ગોને કારણે સ્પીડમાં ઘટાડો થયો છે, ને વારંવાર બ્રેક મારવાની નોબતથી રિસ્પોન્સ ટાઈમ શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ હતો એ ૨૦ મિનિટ સુધી તો ગ્રામીણ ક્ષેત્રમાં ૨૨ મિનિટનો સમય હતો એ વધીને ૩૦-૩૫ મિનિટ સુધી પહોંચ્યો છે. એટલે કે, રોડના 'ખાડાં'થી ૧૦૮ ઈમરજન્સના સમયમાં પ થી ૧૦ મિનિટનું 'ગાબડું' પડયું છે.
રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા હેતુ ૧૦૮ ઇમરજન્સી સેવા વર્ષ ૨૦૦૭માં ૨૯ ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. એ રીતે બે દિવસ બાદ ૨૯, ઓગસ્ટના રોજ પોતાની પુખ્તાવસ્થા એટલે કે, ૧૮ વર્ષમાં પદાર્પણ કરી રહેલી ૧૦૮ સેવા થકી એક જ ફોન કોલ પર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી ૧૮ વર્ષમાં ૧૬ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે, ને જીવાદોરી સમાન બની ગઈ છે. રાજ્યના કોઈપણ ખૂણે હવા, પાણી કે જમીન પર અકસ્માત, હાર્ટએટેક, પ્રસૂતિ, મારામારીમાં ઈજા, ઝેરી જીવજંતુ કરડવું, કેન્સર અને કીડની જેવી ગંભીર બીમારી વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૩૬૫ દિવસ ૨૪ કલાક કાર્યરત નિઃશુલ્ક ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા પણ છેલ્લા બે મહિનાથી સમયપાલનમાં માર ખાઈ રહી છે.
૧૦૮ ઈમરજન્સી એમ્બ્યૂલન્સના સુત્રો કહે છે કે, ઘણા વર્ષો બાદ ચાલુ ચોમાસે સૌથી વધુ હાલાકીજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. મેટ્રો સિટીથી માંડીને નાનકડાં ગામડાં કે નેસડાં સુધી પહોંચવાના મોટાભાગના માર્ગો એટલા બિસમાર બની ગયા છે કે ઈમરજન્સી સમયે પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. શહેરી વિસ્તારમાં કોઈપણ સ્પોટ સુધી પહોંચવામાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૧ મિનિટ હતો, પણ એ વધીને ૨૦ મિનિટ, તો ગ્રામીણ વિસ્તારોમાં ૨૨ મિનિટનો સમય હતો એ વધીને ૩૦-૩૫ મિનિટ જેવો થાય છે. કારણ કે, મોટાભાગે અકસ્માત, પ્રસુતિ અને હ્ય્દયરોગના દર્દીઓને લઈ જવાના હોય છે, જેમાં તૂટેલા કે ખાડાવાળા રોડ ઉપર ૧૦૮ એમ્બ્યૂલન્સના પાયલટની જ પરીક્ષા લેવાય જાય છે. ૧૦૦-૧૨૦ની ઝડપે એમ્બ્યૂલન્સ ચલાવવાની હોય, ત્યાં માત્ર ૫૦-૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચલાવવી પડી રહી છે.
રાજકોટમાં એમ્બ્યૂલન્સ માટેનો સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ
રાજકોટમાં વસ્તી અને વાહનોની સંખ્યા વધવાથી ટ્રાફિક સમસ્યા ગંભીર બનતી જાય છે. અવાર-નવાર ૧૦૮ ઈમરજન્સ સહિતની એમ્બ્યૂલન્સો ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. જેમાં ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે વિકટ સ્થિતિ ઉભી થતી હોવાથી છ મહિના પહેલા મ્યુનિ. કોર્પોરેશનની સંકલન બેઠકમાં સૂચન થતાં સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. જેમાં ટ્રાફિક સિગ્નલોને જીપીએસ સાથે જોડીને એમ્બ્યૂલન્સ ૫૦૦ મિટર દૂર હોય ત્યાં જ ગ્રીન લાઈટ થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ માટે ટ્રાયલ રન પણ કરવામાં આવ્યું છે, ને સફળ પણ રહ્યું છે. હવે રૂા.૩ કરોડ જેવો ખર્ચ થાય એમ હોવાથી એ માટે પ્રક્રિયા ચાલુ છે.
રાજકોટ જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની બેઠકમાં ટકોર થઈ'તી
રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક થોડા દિવસો પહેલાં અહીં કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા-શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને બાકી પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઇ હતી. આ સમયે પણ રાજકોટ શહેર અને જિલ્લામાં તૂટેલા માર્ગોને કારણે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યૂલન્સને સ્પોટ પર પહોંચવામાં વિલંબ થઈ રહ્યાની ટકોર થઈ હતી. જો કે, એ બાબતને વધુ ગંભીરતાથી લેવામાં આવી નહોતી.









