કપડવંજના ત્રિવેણી પાર્કથી ડાકોર ચોકડીના રોડ પર ખાડાનું સામ્રાજ્ય
- નડિયાદ મોડાસા હાઈવે રોડ પર
- પીડબ્લ્યૂડી વિભાગની કચેરી નજીક જ ખાડા પ્રિ-મોન્સૂન કામગીરી કરાય તેવી માંગણી
કપડવંજ : કપડવંજમાં નડિયાદ મોડાસા હાઈવે રોડ ઉપર સુએઝ ફાર્મથી ડાકોર ચોકડી સુધી ખાડાઓના સામ્રાજ્યથી ભારે હાલાકી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ રોડનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે.
કપડવંજના ત્રિવેણી પાર્કથી ડાકોર ચોકડી રોડ વચ્ચે મોટા ખાડા પડી ગયા છે. પીડબ્લ્યૂડી વિભાગની કચેરી નજીક જ મોટા ખાડાં પડી ગયા હોવા છતાં વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓને તે પણ રિપેરિંગ કરવાનું સુજતું નથી. કપડવંજમાં રોડ ઉપર ખાડાંઓના પરિણામે વાહન ચાલકો સહિત લોકોને વારંવાર નાના- મોટા અકસ્માતના લીધે શારીરિક ઈજાઓ ભોગવવી પડી રહી છે. હાલમાં કમોસમી વરસાદી વાતાવરણમાં ખાડાઓના લીધે મોટો અકસ્માત કે જાનહાનિનો ભય નગરજનોને રહ્યા કરે છે. ત્યારે તંત્ર ત્વરિત રોડ પર પડી ગયેલા ખાડાઓમાં મજબૂત પૂરાણ કરાવે તેવી માંગણી ઉઠી છે.