સુરતના પોશ ગણાતા જોગર્સ પાર્ક સામે નો ખાડો ત્રણ દિવસથી નહી પુરાતા લોકો માટે આફત
સુરતમાં સતત પડી રહેલા વરસાદ સાથે ખાડા પણ અટકવાનું નામ લેતા નથી. હાલમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના ગૃહ મંત્રી રહે છે તેવા વિકસિત અઠવા ઝોનમાં પડેલો ખાડો સ્થાનિકો અને વાહન ચાલકો માટે આફત બની રહ્યો છે. સ્થાનિકો દ્વારા ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. પોશ ગણાતા અઠવા ઝોનમાં ત્રણ ત્રણ દિવસથી પડેલો મોટો ભુવો રીપેર કરવામાં નહીં આવે તો અકસ્માતની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.
સુરતમાં વરસાદની શરૂઆત સાથે જ ભુવા પડવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ હાલમાં શહેરના સૌથી પોશ ગણાતા અઠવા ઝોનમાં જોગર્સ પાર્ક થી જમના નગર જવાના રસ્તા પર ત્રણ દિવસ પહેલાં એક ભુવો પડ્યો છે. પોદાર એવન્યુ પાસે મુખ્ય રસ્તાની વચ્ચોવચ મોટો ખાડો પડ્યો છે. સ્થાનિકો ફરિયાદ કરે છે કે ત્રણ દિવસ પહેલાં આ ભુવો પડ્યો છે અને ઝોનમા જાણ પણ કરી છે ઝોન દ્વારા ખાડાની આસપાસ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે પરંતુ હજી સુધી ખાડો પુરવા મા આવ્યો નથી.
પાલિકાએ ખાડા આગળ આડાશ ઉભી કરી દીધી છે પરંતુ ખાડો નહી પુરાતા આ વિસ્તારના લોકો માટે ખાડો આફત બની રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખાડાના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે અને સ્કુલવાન જેવા મોટા વાહનો અન્ય રસ્તે ડાયવર્ટ થઈ રહ્યાં છે. ત્રણ ત્રણ દિવસથી ખાડો પુરાતો ન હોવાથી મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આવી સ્થિતિ હોવાથી સ્થાનિકો તાત્કાલિક આ ખાડો પુરવા માટે માગણી કરી રહ્યાં છે.
સુરતના અનેક વિસ્તારમાં ખાડા પડી રહ્યા છે પરંતુ પાલિકા તંત્ર ખાડા પુરવાના બદલે આડાશ ઉભી કરી સંતોષ માને છે જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે.