નવાવર્ષના ટકોરા સાથે પોટાશ ખાતરમાં અધધધ... રૃ.660 નો વધારો કરી દેવાયો
2022 ખેડૂતોની આવક બમણી કરવાની વાતો તો દૂર રહી
- દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૃ.40 કરોડનો આર્થિક બોજો 5,000 કરોડની સબસીડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ
સુરત
2022 નું વર્ષ ખેડૂતોની આવક બમણી કરવાનું વર્ષ છે. પરંતુ નવા વર્ષની શરૃઆત સાથે
જ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો દૂર
રહી પણ પોટાશ ખાતરની ગુણમાં અધધધ રૃ.660
નો વધારો કરતા દક્ષિણ
ગુજરાતના ખેડૂતોને રૃ.40 કરોડનો વધારાનો બોજો પડશે. આ ખાતરના એક વર્ષમાં
ભાવ ડબલ થઇ ગયા છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ડાંગરનો પાક સૌથી વધુ લેવાય છે. તો ડાંગરની સાથે જ શેરડીના પાક પણ ખેડૂતો મબલખ પ્રમાણમાં લે છે. આ શેરડીના પાકની માવજત માટે પોટાશ ખાતરની વધુ જરૃર પડતી હોય છે. જેમાં એક વિંઘે 1 ગુણ પોટાશ ખાતર નાખવું પડે છે. જોકે, નવા વર્ષની શરૃઆત સાથે જ પોટાશ ખાતર ઉત્પાદન કરતી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડે નવા વર્ષના ટકોરા સાથે જ પોટાશ ખાતરની એક ગુણનો ભાવ જે 1040 હતો, તેમાં રૃ.660 નો વધારો કરીને 1700 કરી દેવાયો છે.
આ ભાવને લઇને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ પટેલ ( દેલાડ ) જણાવે છે કે, દક્ષિણ ગુજરાતમાં ૧1 કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. આથી ખેડૂતોને શેરડીનો પાક લેવા માટે વધારાનો રૃ.40 કરોડનો બોજો વધશે. આથી કેન્દ્ર સરકારમાં રજુઆત કરી યુરીયા અને ડીએપી ખાતરમાં સબસીડી આપવાની તેમજ પોટાશ ખાતરમાં પણ 5,000 કરોડની સબસીડી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અન્ય ખેડૂત આગેવાનો જણાવે છે કે, ગત વર્ષે એક ગુણ પોટાશનો ભાવ રૃ..850 હતો. અને હાલમાં 1700 થઇ જતા ભાવ બમણા થઇ ગયા છે. આથી ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો દૂર રહી પણ આર્થિક બોજો વધી રહ્યો છે.
પોટાશ ખાતરની ગુણના વધેલા ભાવ
મહિનો કિંમત
એપ્રિલ 850
મે 1,000
ઓગષ્ટ 1015
સપ્ટેમ્બર 1040
જાન્યુ. 2022 1700