માણાવદરની પ્રાચીન ઇમારતોમાંથી એક પોસ્ટ ઓફિસ જ બચી દોઢ- સો વર્ષેય પોસ્ટઓફિસ બિલ્ડિંગ અડીખમ, રેડિયોનાં લાયસન્સ નીકળતાં, ટેલિગ્રામ થતા, પ્રથમ પીસીઓ અહીં શરૂ થયો હતો
માણાવદર, : માણાવદરના નિવૃત્ત પોસ્ટકર્મીને પોસ્ટ ઓફિસ પ્રત્યેનો અનોખો લગાવ છે. નિવૃત થયા બાદ પણ તેઓ પોસ્ટ ઓફિસ અને ટપાલ પેટીને રંગરોગાન કરી જાળવણી કરે છે. માણાવદરમાં અનેક ઐતિહાસિક ઇમારત હતી પરંતુ જાળવણીના અભાવે ખંઢેર બની ગઈ છે તો અમુક ઇમારતના સ્થળે નવા તકલાદી બિલ્ડીંગ બની ગયા છે પરંતુ માણાવદરમાં આવેલી રાજાશાહી વખતની પોસ્ટઓફિસ 150 વર્ષ બાદ પણ અડીખમ છે. આ ઐતિહાસિક પોસ્ટઓફિસમાં શહેરનો સૌ પ્રથમ પીસીઓ શરૂ થયો હતો. રેડીયોના લાયસન્સ નીકળતા હતા. ટેલિગ્રામ થતા હતા. ઈન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં પોસ્ટકાર્ડ, સ્ટેમ્પનું ચલણ ઘટી રહ્યું છે. દિવસે દિવસે પોસ્ટ ઓફિસનું નિયમિત કામ ઘટી ગયું છે, તો અન્ય સેવા શરૂ થઈ છે. હાલ માણાવદરની પોસ્ટઓફિસમાં બેંક કરતા વધુ એકાઉન્ટ છે. 2009માં પોસ્ટ ઓફિસનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. 150 વર્ષ જૂનું બિલ્ડીંગ હોવા છતાં હાલ આ બિલ્ડીંગ અડીખમ ઉભું છે. અવારનવાર કલર કરવામાં આવે છે. પોસ્ટમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા દિનેશભાઇ ટીલાવતને પોસ્ટ પ્રત્યે અનોખો લગાવ છે. પોસ્ટ વિભાગ દ્વારા કલર આપવામાં આવે છે અને તે ટપાલ પેટી તેમજ પોસ્ટ ઓફિસને કલર કરી આપે છે. આમ યોગ્ય જાળવણીના લીધે માણાવદરમાં પોસ્ટ ઓફિસની એક માત્ર ઇમારત બચી છે.


