ભાજપના મ.પ્ર.ના મંત્રી અને રાજકોટના કોર્પોરેટરનાં પોસ્ટર સળગાવી સૂત્રોચ્ચારો
દેશમાં ભાજપના મંત્રી વર્ગવિગ્રહ ફેલાવવા માંગતા હોવાનો આક્ષેપ : દેશની સેનાના કર્નલ સોફિયા કુરેશીને પાકિસ્તાનીઓની બહેન કહેનારા ભાજપી નેતા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરો
રાજકોટ, : ભારતીય સૈન્ય પર સમગ્ર દેશ ગૌરવ અનુભવીને અભિનંદનની વર્ષા કરી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા મૂળ ગુજરાતની દિકરી એવા વરિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને પાકિસ્તાનીઓની બહેન ગણાવ્યાનું નિવેદન કરીને વર્ગવિગ્રહ ફેલાવવા પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે આજે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આ મંત્રીનું તેમજ 240 સીટમાં આટલું જ યુધ્ધ થાય એવી વિવાદી પોસ્ટ કરનાર રાજકોટના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાના પોસ્ટરોને ઉગ્ર સૂત્રોચ્ચારો સાથે ચપ્પલ મારીને સરાજાહેર સળગાવીને રોષ વ્યક્ત કરાયો હતો.
આ અંગે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું કે દેશના ગદ્દારો વિરુધ્ધ આ કાર્યક્રમ આજે યોજાયો હતો. સૈન્યના મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુધ્ધ બેફામ નિવેદન કરીને ભાજપના મંત્રી વર્ગવિગ્રહ કરાવવા તેમજ દેશની એકતા-અખંડિતતા તોડવા પ્રયાસ કર્યો હોય તેના વિરુધ્ધ દેશદ્રોહનો ગુનો નોંધીને કડક પગલા લેવા માંગણી કરી છે.સમગ્ર દેશ સૈન્યની સાથે સોફિયા કુરેશીને અભિનંદન-શુભેચ્છા પાઠવે છે ત્યારે ભાજપના મંત્રી તેના વિષે અપમાનજનક ઉચ્ચારણો કરે છે અને છતાં ભાજપના નેતાઓ મૌની બાબા બની ગયા છે. સામાન્ય નાગરિક કે ભાજપ સિવાયના કોઈ પક્ષના નેતાએ આવા ઉચ્ચારણો કર્યા હોત તો તેના વિરુધ્ધ ફટાફટ કડક કાર્યવાહી થઈ હોત પરંતુ, અહીં ભાજપની બેવડી નીતિ ખુલ્લી પડી છે. ઉપરાંત, રાજકોટના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોશ્યલ મિડીયામાં 240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે, પૂરું જોવું હોય તો 400 સીટ આપવી પડે તેવી હલકી કક્ષાની કોમેન્ટને શૅર કરી દેશના નાગરિકો અને સૈન્યનું અપમાન કર્યું છે. ભાજપને વોટબેન્ક કેમ વધારવી તેની જ ચિંતા જણાય છે. દેશના નાગરિકો જાતિ,ધર્મ ભુલી દેશની રક્ષા માટે એકજૂટ થઈને લડતા હોય ત્યારે ભાજપના નેતાએ નિમ્ન વિચારધારા દેખાડી છે.