પોસ્ટકાર્ડની ખપત પંદર જ દિવસમાં અઢી ગણી નોંધાઈ
સ્વદેશી ભારત અભિયાન ટપાલ તંત્રને ફળ્યું : સ્ટીકર્સ, ઈમોજીસ, AIના ટ્રેન્ડ વચ્ચે 15 દિવસમાં જ 36,800 પોસ્ટ કાર્ડ ખરીદાયાં
જૂનાગઢ, : સોશિયલ મીડિયાના વધતા જતા વ્યાપ વચ્ચે પોસ્ટકાર્ડ લખવાનો ટ્રેન્ડ ઘટતો જાય છે પરંતુ તાજેતરમાં સ્વદેશી ભારત અભિયાન, લોકલ ફોર વોકલ સહિતના અભિયાન હેઠળ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખાયા હતા. જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં પંદર દિવસમાં જ પોસ્ટ કાર્ડની માંગ અઢી ગણી નોંધાઈ હતી.
પોસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ ડિજિટલ યુગના કારણે પોસ્ટ કાર્ડની જુજ માંગ છે પરંતુ હાલ સ્વદેશી ભારત અભિયાન હેઠળના કારણે ૧૫ દિવસમાં જ પોસ્ટ ઓફિસમાંથી 36,800 પોસ્ટ કાર્ડ ખરીદવામાં આવ્યા હતા. જૂનાગઢ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાંથી જાન્યુઆરીમાં ફક્ત ૩ હજારની ખપત બાદ ફેબુ્રઆરીમાં તો એક પણ પોસ્ટકાર્ડ લેવામાં આવ્યા ન હતા, જે પછી માર્ચમાં ૨ હજાર, એપ્રિલમાં 1,000, મે 6,000 ,જૂન 10,300, જુલાઈ 9,100, ઓગસ્ટ 13,700 તેમજ ચાલુ મહિને માત્ર બે સપ્તાહમાં પોસ્ટ કાર્ડની માંગ અઢી ગણી વધી 36,800 ખરીદવામાં આવ્યા હતા. અભિયાનમાં યુવાઓ એ ઓપરેશન સિંદૂર, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, સ્વદેશી અપનાવો, સર્જીકલ સ્ટ્રાઈક, વાંચે ગુજરાત સહિતના વિવિધ વિષય પર પોતાના વિચારો દર્શાવાયા હતા.