નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને અનોખી ભેટ : માત્ર એક વખત ઓળખ કાર્ડ આપવાથી ગમે ત્યારે 'સ્ટુડન્ટ મેઇલ' લખેલી સ્પીડ પોસ્ટ ઉપર ડિસ્કાઉન્ટ મેળવી શકાશે
રાજકોટ, : સમગ્ર દેશના સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પીડ પોસ્ટમાં વિદ્યાર્થીઓને 10 ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશ અને પરદેશમાં મોકલવામાં આવતી સ્પીડ પોસ્ટ ટપાલના દરમાં વિદ્યાર્થીને 10 ટકા ડીસ્કાઉન્ટનો ફાયદો આપવામાં આવશે. તા. 1 નવે.થી સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાં આ નવો નિયમ લાગુ થઇ ગયો હોવાનું પોસ્ટ ઓફિસના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ઘડતર માટે અથવા તો નોકરી કે વ્યવસાય સંબંધી વિગતો માટે પત્ર વ્યવહાર કરે છે. તેઓ જો પોસ્ટ ઓફિસની સ્પીડ પોસ્ટ દ્વારા ટપાલ મોકલશે તો તેઓને 10 ટકા ડીસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે તેઓએ તેમના સ્પીડ પોસ્ટના કવર ઉપર 'સ્ટુડન્ટ મેઇલ' શબ્દોનો ઉલ્લેખ કરવાનો રહેશે. પ્રથમ વખત વિદ્યાર્થીએ આ પ્રકારની સ્પીડ પોસ્ટ મોકલતી વખતે પોતાના આઇડેન્ટી કાર્ડની કોપી આપવાની રહેશે. જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટરમાં સેવ થઇ જશે. ત્યારબાદ બીજી વખત કોઇ પ્રકારની ઓળખ આપવાની જરૂર નહીં. ઓટોમેટીક 'સ્ટુડન્ટ મેઇલ'ને ડીસ્કાઉન્ટનો લાઉ મળી જશે. તેમ રાજકોટ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ બુનકરે જણાવ્યું હતું.


