અમદાવાદથી રવાના થયેલું પોસ્ટનું પાર્સલ ગુમ, ભાવનગરના 35 પાસપોર્ટ લાપતા
- શોર્ટિંગના હબ રાજકોટ સુધી પાર્સલ પહોંચે તે પૂર્વે
- 35 પાસપોર્ટ સાથે 75 આર્ટીકલનું પાર્સલ 15 દિવસ પૂર્વે અમદાવાદથી રાજકોટ રવાના કરાયું હતું : પોસ્ટ વિભાગનાં ધાંધિયા
અમદાવાદથી અન્ય જિલ્લાની ટપાલો સીધી જ ભાવનગર મોકલાવાની વર્ષો જુની પદ્ધતિમાં ફેરફાર કરીને પોસ્ટ વિભાગે દોઢેક માસથી રાજકોટને શોર્ટિંગ હબ બનાવ્યું છે.જેના પગલે અમદાવાદથી વાયા રાજકોટ થઈને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ટપાલોનું વિતરણ થઈ રહ્યું છે. એક તરફ કુરીયર સર્વિસની સ્પર્ધા વચ્ચે પણ ભારતીય પોસ્ટ વિભાગ ટકી રહ્યું છે. પરંતુ દિન-પ્રતિદિન સેવાઓ કથળતા લોકોની મુશ્કેલી વધ્યાની ફરિયાદો વધી છે તેવામાં ગત તા. ૨૨ એપ્રિલે અમદાવાદથી સાદી પોસ્ટ, પાસપોર્ટ સહિતના ૭૫ આર્ટીકલવાળુ પાર્સલ રાજકોટ માટે તા. ૨૩મીએ રવાના કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના ૩૫ નાગરિકોના પાસપોર્ટ પણ શામેલ હતા. પરંતું, આ પાર્સલ રાજકોટ પહોંચે તે પૂર્વે જ ગાયબ થઈ ગયું છે. બીજી તરફ, સમય મર્યાદામાં પાસપોર્ટ ન મળતાં અરજદારોએ તપાસ કરતા પાર્સલ ગુમ થયાનું પોસ્ટ વિભાગે જાહેર કરવાની ફરજ પડી હતી.આ અંગે અમદાવાદ પોસ્ટ દ્વારા રીઝનલ પાસપોર્ટ અમદાવાદને પણ પાર્સલ ગુમ થયા અંગેની લેખિત જાણ કરી દેવાઈ છે. જેથી અરજદારોને ફરી નવા પાસપોર્ટ આપવાની કામગીરી આગળ ચાલી શકે. પરંતુ પોસ્ટનું પાર્સલ ગુમ કઈઈ રીતે થયું કોણે કર્યું તેવા સવાલોના જવાબ હજુ સુધી મળી શક્યા નથી. આ અંગે તપાસ અને પોલીસ ફરિયાદ કરવા સુધીના ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળ્યું છે.