ભેખડ ધસવાની શક્યતા ઃ ૧૦ સાઈટ તાત્કાલિક બંધ કરવા આદેશ
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ૮૦ જેટલી બાંધકામ સાઈટની તપાસ
કોબા કમલમ્ પાછળ નિર્માણાધિન સાઇટની ઘટના બાદ મ્યુનિ. તંત્ર
હરકતમાં આવ્યું ઃ બેઝમેન્ટનું બાંધકામ ચાલુ હોય તેવી ૩૦ જેટલી સાઈટમાં સુરક્ષા
નહિં હોવાથી નોટિસ ફટકારવામાં આવી
ગાંધીનગર : હાલમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા વિસ્તારમા બેઝમેન્ટનું બાંધકામ ચાલુ હોય તેવી સાઇટ ઉપર તપાસ કરવામાં આવી હતી અને ભેખડ ધસવાની શક્યતા વાળી ૧૦ જેટલી સાઇટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં સુરક્ષાના સાધનો નહીં ધરાવતી ૩૦ જેટલી સાઈટને નોટીસ ફટકારવામાં આવી હતી.
ચોમાસામાં વરસાદને કારણે વિવિધ બાંધકામ સાઈટ ઉપર ભેખડ ધસી
પડવાની ઘટના બનતી હોય છે. જેમાં કામ કરતા મજૂરોના મોત પણ થતા હોય છે. તાજેતરમાં જ
કોબા કમલમ પાછળ નવી બની રહેલી બાંધકામ સાઈટ ઉપર ભેખડ ધસવાની ઘટના બની હતી અને બે
મજૂરોના મોત થયા હતા. આ સ્થિતિને પગલે મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ વિસ્તારમાં
કે જ્યાં કામ ચાલી રહ્યું છે. તેવી ૮૦ જેટલી બાંધકામ સાઈટની તપાસ કરવામાં આવી હતી
અને તેમાં ૧૦ જેટલી સાઈટ ઉપર તો ગમે ત્યારે ભેખડ ધસી પડે તેવી સ્થિતિ જણાતા તેને
તાત્કાલિક અસરથી બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં ૩૦ જેટલી
બાંધકામ સાઈટ ઉપર સુરક્ષાના સાધનો જરૃરિયાત પ્રમાણે નહીં જણાતા તેને નોટિસ આપવામાં
આવી છે અને તાત્કાલિક અસરથી પૂરતા સાધનો મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે.
ચોમાસા દરમિયાન બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હોય તેવી
બાંધકામ સાઈટને કારણે આસપાસના વિસ્તારની રહેણાંક વસાહતો ઉપર પણ જોખમ ઊભું થતું હોય
છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે તપાસ
કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી
રાખવા માટે બાંધકામ સાઈટોના સંચાલકને સૂચના આપવામાં આવી છે.